‘પ્રેમી’એ મહિલાની સામે જ તેની બે વર્ષની માસૂમ દીકરી સાથે દુષ્કર્મ કરી મારી નાખી
બળાત્કાર અને હત્યાના કેસમાં યુવક સાથે મહિલાની પણ ધરપકડ

મુંબઈ: મલાડમાં બનેલી આંચકાજનક ઘટનામાં યુવાન ‘પ્રેમી’એ 30 વર્ષની મહિલાની હાજરીમાં જ તેની બે વર્ષની માસૂમ દીકરી સાથે કથિત દુષ્કર્મ કર્યા પછી તકિયાથી ગૂંગળાવીને મારી નાખી હતી. આ પ્રકરણે પોલીસે ગૅન્ગ રૅપનો ગુનો નોંધી યુવાન સાથા મહિલાની પણ ધરપકડ કરી હતી.
મળતી માહિતી અનુસાર આ નિર્દયી ઘટના રવિવારના મલાડના માલવણી વિસ્તારમાં બની હતી. ત્રણ વર્ષ અગાઉ 30 વર્ષની મહિલા ગર્ભવતી હતી ત્યારે પતિ તેને છોડી ગયો હતો. ત્યારથી મહિલા પિયરમાં જ રહેતી હતી. અમુક મહિના બાદ મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. પિયરમાં માતા સાથે રહેતી હતી ત્યારે મહિલા 19 વર્ષના આરોપી યુવકના સંપર્કમાં આવી હતી. પછી મહિલા યુવકના પ્રેમમાં પડી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર બેરોજગાર યુવકે મહિલા સમક્ષ તેની દીકરી સાથે શારીરિક સંબંધ બાંધવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. યુવકની આવી અણછાજતી માગણીને મહિલાએ કથિત રીતે મંજૂરી પણ આપી દીધી હતી. પરિણામે મહિલાની હાજરીમાં જ યુવકે કથિત કુકર્મ કર્યું હતું.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીના અમાનવીય કૃત્યને કારણે બાળકી જોર જોરથી રડવા લાગી હતી. તેને ચૂપ કરવા તકિયાથી મોં દબાવવામાં આવ્યું હતું. બેભાન થઈ ગયેલી બાળકીને માતા અને યુવક પાલિકાની હૉસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ગુનો છુપાવવા મહિલાએ બાળકીને વાઈનો હુમલો આવ્યો હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું.
દરમિયાન હૉસ્પિટલના ડૉક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી અને તેના પ્રાઈવેટ પાર્ટ્સમાં ઇજાને કારણે પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક મહિલા અને યુવકને તાબામાં લઈ પૂછપરછ કરી હતી. આકરી પૂછપરછમાં બન્નેએ ગુનો કબૂલ્યો હોવાનો દાવો પોલીસે કર્યો હતો.
પોલીસે આપેલી માહિતી પછી ફોરેન્સિક અધિકારીઓની એક ટીમ પુરાવા એકઠા કરવા ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસના ભાગ રૂપે બાળકી અને યુવકનાં કપડાં તાબામાં લેવાયાં હતાં.