ગૅન્ગસ્ટર અનમોલ બિશ્ર્નોઈ સામે લૂકઆઉટ સર્ક્યુલર જારી

મુંબઈ: અભિનેતા સલમાન ખાનના બાન્દ્રા સ્થિત નિવાસસ્થાન બહાર 14 એપ્રિલની વહેલી સવારે ગોળીબાર કરવાના કેસમાં શુક્રવારે જેલમાં બંધ ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્ર્નોઈ સામે લૂકઆઉટ સર્ક્યુલર (એલઓસી) જારી કરવામાં આવ્યું હતું.
વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ આ કેસમાં પૂછપરછ માટે પોલીસ ટૂંક સમયમાં લૉરેન્સ બિશ્ર્નોઈની કસ્ટડી લેશે. લૉરેન્સ બિશ્ર્નોઈ હાલમાં ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે. તેની સામે મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઑફ ઑર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ઍક્ટ (એમસીઓસીએ) લગાવવાનું પણ વિચારવામાં આવી રહ્યું છે.
સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગોળીબારની ઘટનાના ગણતરીના કલાકોમાં અનમોલ બિશ્ર્નોઈએ ફેસબુક પોસ્ટ થકી ગોળીબારની જવાબદારી સ્વીકારી હતી, જેને પગલે તેની સામે એલઓસી જારી કરવામાં આવ્યું હોવાનું પોલીસનું કહેવું છે. આ કેસમાં લૉરેન્સ અને અનમોલ બિશ્ર્નોઈનાં નામ ફરાર આરોપી તરીકે દર્શાવાયાં છે. કૅનેડામાં રહેતો અનમોલ બિશ્ર્નોઈ યુએસએમાં ફરતો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. (પીટીઆઈ)