Loksabha Election: એકનાથ શિંદેની બે બેઠક પર છે કોની નજર?
મુંબઈ: લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024)ની તારીખ જાહેર કરી નથી, પરંતુ એના પહેલા સત્તાધારી પાર્ટીએ 195 ઉમેદવારની પહેલી યાદી જારી કરી છે. આમ છતાં મહારાષ્ટ્રમાં ગઠબંધનનું કોકડું ઉકેલાયું હોય એમ જણાતું નથી. બીજી બાજુ સાથી રિપબ્લિકન પાર્ટીના પ્રમુખે ચોંકાવનારો દાવો કર્યો છે.
રિપબ્લિકન પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે રાજ્યમાં ત્રણ સીટ પર દાવો કર્યો છે. પાર્ટી અધ્યક્ષ રામદાસ આઠવલેએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આરપીઆઇ)ના કાર્યકરો હવે શિરડી, સોલાપુર અને છત્રપતિ સંભાજીનગર મતવિસ્તારમાંથી ચૂંટણી લડવાનો આગ્રહ કરી રહ્યા છે. આમાંથી શિવસેના પાસે શિરડી અને છત્રપતિ સંભાજીનગર બેઠક છે જ્યારે ભાજપ પાસે સોલાપુર છે.
રિપબ્લિકન પાર્ટી રાષ્ટ્રીય સ્તરે એનડીએ અને મહારાષ્ટ્રમાં મહાગઠબંધનનો અવિભાજ્ય ભાગ છે. રિપબ્લિકન પાર્ટી મહારાષ્ટ્રમાં આગામી લોકસભા ચૂંટણીમાં મહાયુતીના ૪૫ સાંસદોને ચૂંટવા માટે સંકલ્પબદ્ધ છે. આ સમયે તેમણે રિપબ્લિકન કાર્યકરોને આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં મહાગઠબંધનને જંગી બહુમતી સાથે જીતાડવાનો સંકલ્પ કરવા અપીલ કરી હતી.
રિપબ્લિકન પાર્ટીનો સંકલ્પ મુંબઈના ડેપ્યુટી મેયરનું પદ મેળવવાનું છે અને તે માટે રિપબ્લિકન કાર્યકરો પોતપોતાના વિસ્તારમાં કામ કરવા માંડે અને લોકો સાથે ભળી લોકોના પ્રશ્નોના નિરાકરણ તરફ ધ્યાન આપે, એવું સૂચન તેમણે કાર્યકરોને કર્યુ હતું.