આમચી મુંબઈમહારાષ્ટ્ર

અંધેરીમાં યારી રોડથી લોખંડવાલા પાંચ મિનિટમાં

નવા પુલને પર્યાવરણ મંત્રાલયે મંજૂરી આપી દીધી છે, જેથી અત્યારે ૩૫ મિનિટમાં કપાતું આ અંતર ચપટી વગાડતા કપાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
અંધેરી લોખંડવાલા અને યોરી રોડને જોડતા નવા પુલના બાંધકામ માટે મુંબઈ મહાનગરપાલિકાને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. આ પુલ મેનગ્રોન્ઝ, ફોરેસ્ટ અને ક્રીક પરથી પસાર થશે. આ પુલને કારણે મુસાફરીનો સમય ૩૫ મિનિટથી ઘટીને પાંચ મિનિટનો થઈ જશે એવો દાવો પ્રશાસને કર્યો છે.

અંધેરીમાં લોખંડવાલા અને યારી રોડ વચ્ચેનો વાહનવ્યવહાર વધુ ઝડપથી થાય અને પ્રવાસનો સમય બચે તે માટે લગભગ બે દાયકાથી પ્રયાસ ચાલી રહ્યા હતા. નવેમ્બર, ૨૦૨૩માં પાલિકાએ પુલના બાંધકામ માટે ૪૨ કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું હતું. જોકે આ પુલ મેનગ્રોવ્ઝના જંગલ અને ખાડી ઉપરથી જવાનો હોવાથી પર્યાવરણને નુકસાન થવાનો ભય પર્યાવરણના નિષ્ણાતોએ વ્યક્ત કર્યો હતો.

આ પુલ મેનગ્રોવ્ઝ અને ખાડી ઉપરથી પસાર થવાનો હોવાથી તેના બાંધકામ માટે કેન્દ્રના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયની મંજૂરી મેળવવી આવશ્યક હતી. તાજેતરમાં પ્રોેજેક્ટને આ મંત્રાલય તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે, તેથી હવે આ પ્રોજેક્ટનું કામ આગળ વધશે એવું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: મુંબઈ મહાનગરપાલિકા પર ભગવો લહેરાશે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો આત્મવિશ્વાસ

ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ પુલનું કામ બહુ જ સાવચેતી સાથે કરવું પડવાનું છે. પુલના બાંધકામને કારણે વન્યજીવોને ખલેલ ના પડે અને મેનગ્રોવ્ઝને બહુ નુકસાન થાય નહીં તેનું ધ્યાન રાખવું પડશે. તેમ જ વૃક્ષોનું પુન: વાવેતર પર પણ ભાર આપવો પડશે.

લોખંડવાલા અને યારી રોડને જોડનારો પુલ ૩૯૩.૨ મીટર લાંબો હશે જે કવાથે ક્રીકને પાર કરશે. ખાડી ઉપરનો ભાગ ૧૧૦ મીટરનો હશે જે સિંગલ સ્પાન સ્ટીલ ગર્ડર પર બનશે. એપ્રોચ રોડમાં યારી રોડ બાજુએ ૧૬૬ મીટરનો અને લોખંડવાલા તરફ ૧૧૭ મીટરનો અપ્રોચ રોડ હશે.

લોખંડવાલા અને યારી રોડ વચ્ચે પુલ બાંધવાનો પ્રસ્તાવ અગાઉ ૨૦૦૨માં લાવવામાં આવ્યો હતો. ૨૦૧૪માં બ્રિજ માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા હતા, એ વખતે અંદાજિત કિંમત ૧૬ કરોડ રૂપિયા હતી અને કૉન્ટ્રેક્ટરની નિમણૂક પણ કરવામાં આવી હતી. જોકે કાયદાકીય ગૂંચને કારણે પ્રોજેક્ટ અટવાઈ ગયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button