લોકસભા ચૂંટણીઃ મુંબઈની બેઠકો પર ઉમેદવાર નક્કી કરવામાં પક્ષો માટે કપરા ચઢાણ?
મુંબઈ: લોકસભા ચૂંટણીમાં મુંબઈની છ લોકસભા બેઠક પર ચૂંટણી લડવા માટે દરેક પક્ષના ઉમેદવારો શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. ચૂંટણી પહેલા મુંબઈની છમાંથી ત્રણ સીટ પર શિવસેના એકનાથ શિંદે જૂથ અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી.
જોકે મહાવિકાસ આઘાડી (કૉંગ્રેસ, એનસીપી શરદ પવાર જૂથ અને ઉદ્ધવ ઠાકરે જૂથ) વચ્ચે મુંબઈની સીટને લઈને હજી પણ ખેંચાખેંચી ચાલી રહી છે. બીજી બાજુ મહાવિકાસ આઘાડી પણ બેઠકો માટે એકમત નથી, જેમાં અમુક બેઠકો પર ફક્ત ઉમેદવારોના નામ અટવાયેલા નથી પણ કઈ બેઠક કયા પક્ષના ફાળે જશે એનું પણ નક્કી નથી.
ભાજપે મુંબઈની છમાંથી બે સીટ પર પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ભાજપે તેમના વર્તમાન સાંસદોને બદલે નવા ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, જેમાં ઉત્તર મુંબઈની સીટ પર ગોપાલ શેટ્ટીની જગ્યાએ કેન્દ્રિય પ્રધાન પીયૂષ ગોયલને ટિકિટ આપી હતી અને ઉત્તર પૂર્વ મુંબઈથી મનોજ કોટકની જગ્યાએ વિધાનસભ્ય મિહિર કોટેચાને ટિકિટ આપી હતી.
જોકે ઉત્તર મુંબઈની સીટ પર 2019ની લોકસભામાં ભાજપના ગોપાલ શેટ્ટીએ કૉંગ્રેસનાં ઊર્મિલા માતોંડકરને મોટા તફાવતથી હરાવ્યા બાદ કૉંગ્રેસ આ સીટ પર ઉમેદવાર તરીકે અભિનેતા ગોવિંદાને પાછા લાવવાનો પ્રયત્ન કરી રહી છે.
મહાવિકાસ આઘાડી વચ્ચે સીટ વહેંચણી નથી થઈ તેમ છતાં ઉદ્ધવ ઠાકરેએ ઉત્તર પશ્ચિમ મુંબઈની સીટ પર અમોલ કીર્તિકરનું ઉમેદવાર તરીકે નામ આપ્યું હતું. ઉદ્ધવ ઠાકરેની આ જાહેરાત બાદ કૉંગ્રેસના નેતા સંજય નિરુપમ નારાજ થયા હતા અને ભાજપ પણ અમિત સાટમને ઉમેદવારનું પદ આપે એવી ચર્ચા ચાલી રહી છે. જોકે કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ નાના પટોલેએ કહ્યું હતું કે અમારી પાસે રાજ બબ્બર, ગોવિંદા જેવા અનેક નેતાઓ છે, જેથી તેમનું નામ ભવિષ્યની યાદીમાં જાહેર થાય એવી શક્યતા છે.
દક્ષિણ મધ્ય મુંબઈની સીટ પર મહાયુતિ દ્વારા એકનાથ શિંદે જૂથે રાહુલ શેવાળેની ઉમેદવારી જાહેર કરી હતી, જેથી આ સીટ પર ભાજપ અને શિંદે જૂથ વચ્ચે સંમતિ થઈ ગઈ છે એવું જણાઈ રહ્યું છે. તો રાહુલ શેવાળેની સામે ઉદ્ધવ ઠાકરે જૂથ અનિલ દેસાઇને ઉમેદવાર બનાવે એવી ચર્ચા ચાલી રહી છે.
મુંબઈ લોકસભા સીટની સૌથી મહત્તની ગણાતી દક્ષિણ મુંબઈની સીટ પર ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ અરવિંદ સાવંત ચૂંટણી લડશે એ નક્કી છે. જોકે મહાયુતિ તરફથી આ સીટ પર કોણ ઊભું રહેશે એ બાબત હજુ પણ સસ્પેન્સ છે. આ સીટ પર ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા સંજય દિના પાટીલને ટિકિટ આપવામાં આવે એ લગભગ નક્કી થઈ ગયું છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.