લોકસભા ચૂંટણીઃ ‘રંગીલા ગર્લ’થી લઈને ગુલ પનાંગે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, પણ…
મુંબઈ: અનેક અભિનેતા અને અભિનેત્રીઓએ રાજકારણમાં એન્ટ્રી કરીને ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવ્યું છે. જોકે અનેક એક્ટર્સને લોકોએ નેતાના રૂપમાં પસંદ કર્યા નથી જેને લીધે તેમના રાજકીય કરિયરનો ખૂબ જ ટૂંક સમયમાં અંત આવ્યો હતો. ફિલ્મ જગતના અનેક સિતારાઓ જેમ કે રંગીલા ગર્લ ઉર્મિલા માતોંડકર, હેમા માલિની, રવિ કિશન અને મનોજ તિવારી જેવા એક્ટર્સ ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા, પણ અમુક કલાકારો જનતાને રિઝવવામાં નિષ્ફળ રહ્યા હતા.
બૉલીવુડના સૌથી પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાએ 1981માં કૉંગ્રેસની ટિકિટ પરથી નવી દિલ્હીની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પણ તેમને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના લાલ કૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજ નેતા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
‘રંગીલા ગર્લ’ નામથી પ્રખ્યાત અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે પણ 2019માં કૉંગ્રેસના ટિકિટ પરથી મુંબઈની એક બેઠક પર લોકસભાની ચૂંટણી લડી હતી, જોકે તેને પણ ભાજપના ગોપાલ શેટ્ટી સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
આપણ વાંચો: લોકસભા ચૂંટણીમાં પ્રત્યેક મતદાર પાછળ કેટલો ખર્ચ થશે?
ભાજપમાં જોડાવા પહેલા હિન્દી અને ભોજપુરી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા રવિ કિશને 2014ની લોકસભા ચૂંટણીમાં જૌનપુરથી કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી. ભોજપુરી ફિલ્મોના આટલા પ્રખ્યાત અભિનેતા હોવા છતાં તેમને ભાજપના કૃષ્ણ પ્રતાપે હરાવ્યા હતા. આ સાથે અભિનેત્રી ગુલ પનાગ આમ આદમી પાર્ટી (આપ)ની ટિકિટ પરથી 2014ની ચૂંટણીમાં ચંદીગઢથી મેદાનમાં ઉતાર્યા હતા, પણ ભાજપે તેમની સામે કિરણ ખૈરને ઊભા રાખતા તેઓ હાર્યા હતા.
આ સાથે હિન્દી અને મરાઠી ફિલ્મોમાં પોતાના અભિનયની છાપ છોડનાર અભિનેતા/ડિરેક્ટર મહેશ માંજરેકરને મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાએ ઉત્તર-પશ્ચિમ મુંબઈની સીટ પર ઉમેદવારી આપી હતી, પણ તેમને શિવસેનાના ગજાનન કીર્તિકર સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ડ્રામા ક્વિન રાખી સાવંતને પણ આમ આદમી પાર્ટીએ મુંબઈની ટિકિટ આપી હતી, પણ રાખીના ફિલ્મી કરિયરની જેમ તેનું રાજકીય કરિયર પણ ફ્લોપ રહ્યું હતું. રાખીને માત્ર 2000 જેટલા જ વોટ મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં પણ અનેક રાજકીય પક્ષોએ સેલિબ્રિટિઝને ઉમેદવારીની ટિકિટ આપી છે, જેથી આ વર્ષની ચૂંટણીમાં તેઓ શું કમાલ બતાવશે એતો પરિમાણ આવ્યા પછી ખબર પડશે.