લોકસભા ચૂંટણી 2024: મહાયુતીની બેઠકોની વહેંચણીમાં ક્યાં ગુંચવાડો?
ભાજપની ફોર્મ્યુલા શિંદે અને અજિત પવાર બંનેને અમાન્ય: મનસેની એન્ટ્રી અને થાણે પર ભાજપના દાવાને કારણે વધુ ગુંચવાયું કોકડું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને 19 એપ્રિલથી મહારાષ્ટ્રમાં પહેલા તબક્કાનું મતદાન થવાનું છે અને હવે તેને એક મહિનાનો પણ સમય બચ્યો નથી છતાં મહાયુતીમાં મહારાષ્ટ્રમાં બેઠકોની વહેંચણીનું કોકડું ઉકેલાતું નથી. આને કારણે રાજ્યના મતદારો ભારે વિમાસણમાં પડ્યા છે.
આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ મહારાષ્ટ્રમાં બેઠકોની વહેંચણીની જે ફોર્મ્યુલા દિલ્હીમાં ફાઈનલ થઈ છે તે મુજબ ભાજપ 30, એકનાથ શિંદેની શિવસેનાને 13 અને અજિત પવારને પાંચ બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. પરંતુ એકનાથ શિંદે અને અજિત પવાર બંનેને આ ફોર્મ્યુલા માન્ય નથી.
વચ્ચે ભાજપ 29-30, શિંદે 13-14 અને પવાર પાંચ બેઠક પર લડે એવો પણ વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ મિત્રપક્ષોને તે પણ માન્ય નથી. એનસીપીના અજિત પવાર જૂથના સુનીલ તટકરે એકમાત્ર સંસદસભ્ય હોવા છતાં તેમણે આ બેઠક ઉપરાંત બારામતી, શિરૂર, સાતારા, ધારાશિવ અને પરભણીની બેઠક પર દાવો કર્યો છે.
આપણ વાંચો: લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં આજે શિંદે જૂથ પહેલી યાદી જાહેર કરી શકે
બીજી તરફ એકનાથ શિંદેએ પોતાના વર્તમાન 13 સંસદસભ્યોની સામે ઓછામાં ઓછી બે-ત્રણ બેઠકો વધારીને આપવાની માગણી કરી છે.
આ બધાની વચ્ચે મહાયુતિમાં મનસેની એન્ટ્રી થવાને કારણે કોકડું વધુ ગુંચવાયું છે. રાજ ઠાકરેએ દક્ષિણ મુંબઈ, શિર્ડી અને નાશિક એમ ત્રણ બેઠકોની માગણી કરી છે. આમાં પાછા શિરડી અને નાશિકમાં એકનાથ શિંદેના વર્તમાન સંસદસભ્યો હોવાથી તેઓ પણ દાવો છોડવા માગતા નથી. આથી જ રાજ ઠાકરેના સમાવેશ સામે શિંદે સેનાને વાંધો હોવાનું ભાજપના મોવડી મંડળને જણાવી દેવામાં આવ્યું હોવાનું કહેવાય છે.
અધુરામાં પુરું એકનાથ શિંદેના ગઢ મનાતા થાણે લોકસભા મતદારસંઘ પર ભાજપ પોતાનો ઉમેદવાર ઉતારવા માગે છે અને તેને કારણે પણ સહમતી સધાઈ રહી નથી. આ બધામાં હવે આ બધી સમસ્યાનું નિરાકરણ કેવી રીતે થશે તે જોવાનું રહેશે.
અહીં ઉલ્લેખનીય છે કે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે એવો દાવો કર્યો છે કે 28મી એપ્રિલ સુધીમાં બેઠકોની વહેંચણી ફાઈનલ કરી નાખવામાં આવશે.