આમચી મુંબઈમહારાષ્ટ્ર

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવારને લઈને કાર્યકર્તાઓ પ્રધાન સામે ક્યાં બાખડ્યા?

એનસીપીના કાર્યકર્તાને સાથે લઈને ફરતા હોવાનો આક્ષેપ

મુંબઈ: લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે આંતરિક ખટપટો પણ સામે આવી રહી છે. જળગાંવના રાવેર મતદારસંઘના ઉમેદવાર રક્ષા ખડસે સામે ભાજપના કાર્યકર્તાઓની નારાજગી હવે સ્પષ્ટ રીતે બહાર આવી રહી છે. મહારાષ્ટ્રના પ્રધાનની સામે જ ઉમેદવાર અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ભારે બોલાચાલી થઈ હોવાનો બનાવ બન્યો હતો.

ભાજપે મહારાષ્ટ્રના 23 ઉમેદવાર જાહેર કર્યા છે અને ક્યાંય હજી સુધી નારાજગી કે બળવાખોરી જોવા મળી નથી, પરંતુ રાવેર લોકસભા બેઠકના વર્તમાન સાંસદ રક્ષા ખડસેને ઉમેદવારી જાહેર કરવામાં આવી ત્યારથી ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓમાં નારાજી જોવા મળી રહી છે. રક્ષા ખડસે ભાજપમાંથી રાજીનામું આપીને શરદ પવારની એનસીપીમાં જોડાઈ ગયેલા પીઢ નેતા એકનાથ ખડસેના પુત્રવધુ છે. આ જ કારણસર ભાજપનો એક વર્ગ તેમનો વિરોધ કરી રહ્યો છે.

આપણ વાંચો: લોકસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં 23 કરોડની રોકડ, 17 લાખ લિટર દારૂ અને 699 કિલો ડ્રગ્સ ઝડપાયું

જળગાંવમાં આયોજિત ભાજપની આંતરિક બેઠકમાં રાજ્યના પ્રધાન ગિરીશ મહાજનની સામે જ રક્ષા ખડસે અને ભાજપના પદાધિકારીઓમાં ભારે બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર પ્રકરણને અત્યાર સુધી દબાવવામાં આવતું હતું, પરંતુ હવે તેનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાઈરલ થઈ ગયો છે.

ફડણવીસના સંકટમોચક તરીકેની ઉપમા ધરાવતા ગિરીશ મહાજનના ગૃહ જિલ્લામાં થઈ રહેલા આ ક્લેશને કારણે ભાજપની પ્રતિષ્ઠા ખરડાઈ રહી છે.

વાઈરલ થયેલા વીડિયોમાં એક પદાધિકારી રક્ષા ખડસેને પૂછી રહ્યો છે કે તમે એકનાથ ખડસેનું નામ લ્યો છો, તો ગિરીશ મહાજનનું નામ કેમ લેતા નથી? બોલાચાલી વધતાં પદાધિકારીઓએ મહાજનને એવી ફરિયાદ કરી હતી કે રક્ષા ખડસે શરદ પવારના જૂથના કાર્યકર્તાઓને કારમાં લઈને ફરતા હોય છે. તેમની કારમાં તુતારીના કાર્યકર્તાઓ હોય છે, એવો આરોપ પણ તેમણે કર્યો હતો.

નારાજ પદાધિકારીઓએ મહાજનની સામે જ રક્ષા ખડસેને આકરાં વેણ કહ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે અમે મતદાન ભાજપને જ કરીશું, કમળ 101 ટકા જીતીને આવશે, પરંતુ કાર્યકર્તાઓની અવગણના થઈ રહી છે. રક્ષા ખડસે ભાજપના કાર્યકર્તાઓને બદલે સુધાકર જાવળેને લઈને બેસે છે. અહીં અમે શું….. ભાઈની સામે જોરથી બોલવું નહીં… સોગંદ લઈને કહો કે ગાડીમાં ભાજપના કાર્યકર્તા હોય છે કે તુતારીના કાર્યકર્તા… એવા શબ્દો સાંભળવા મળતા હતા.

આ બધા વચ્ચે મહાજન કાર્યકર્તાઓને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું જોવા મળતું હોવા છતાં આ વીડિયો વાઈરલ થતાં ભાજપમાં બધું સમુસૂતરું નથી એવો સંદેશ મતદારો સુધી પહોંચી રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button