લોકસભા ચૂંટણી 2024: મહાયુતિની બેઠકોની વહેંચણીનું કભી હાં કભી ના..
પાંચ માર્ચથી શરૂ થયેલી બેઠકોની વહેંચણી પાંચ વખત ફાઈનલ થયા પછી પણ પાંચ બેઠક પર અટકી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિમાં લોકસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણી અત્યંત જટિલ કોયડો બની ગઈ છે. પાંચમી માર્ચે પહેલી વખત જાહેર કરવામાં આવ્યું હતું કે બેઠકોની વહેંચણી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે અને તે પછી પાંચ વખત મહત્ત્વની બેઠકો બાદ એવી જાહેરાત કરવામાં આવી કે હવે બેઠકોની વહેંચણી ફાઈનલ થઈ ગઈ છે, પરંતુ જાણવા મળ્યું છે કે હજી પણ પાંચ બેઠક પર મહાયુતિના ત્રણ મહત્ત્વના પક્ષો વચ્ચે સમજૂતી સધાઈ શકી નથી અને તેથી કભી હાં, કભી ના.. ક્યાં સુધી ચાલે છે તે જોવાનું રહેશે. આજે આપણે જોઈએ કે કેટલી વખત બેઠકોની વહેંચણીની ચર્ચા ‘ફાઈનલ’ સુધી પહોંચી હતી.
પ્રારંભીક તબક્કાામાં ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને એનસીપી (અજિત પવાર જૂથ) દ્વારા લોકસભાની બેઠકો માટે વધુ બેઠકોની માગણી કરવામાં આવી હતી અને તેને કારણે બેઠકોની વહેંચણીમાં ભારે અવરોધ ઊભો થયો હતો અને આખરે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા બેઠકોની વહેંચણીની ચર્ચામાં હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.
આપણ વાંચો: લોકસભા ચૂંટણીઃ થાણે-કલ્યાણની બેઠક પર ભાજપની શિંદે જૂથને નવી ઓફર?
પાંચમી માર્ચે રાતે 10.15 વાગ્યે અમિત શાહની હાજરીમાં ફડણવીસ અને અજિત પવારની ચર્ચા થઈ હતી. 30 મિનિટ સુધી આ ચર્ચા ચાલ્યા પછી ફડણવીસ અને પવારને રવાના કરી દેવામાં આવ્યા હતા અને પછી મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અમિત શાહ વચ્ચે લગભગ 50 મિનિટ સુધી ચર્ચા થઈ હતી. આ બેઠકો બાદ નેતાઓ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે બેઠકોની વહેંચણીની મડાગાંઠ ઉકેલાઈ ગઈ છે.
જોકે, ત્યારબાદ પણ વાટાઘાટોના અનેક દોર ચાલ્યા હતા અને કેટલીક બેઠકોને કેન્દ્રમાં રાખીને ચર્ચા થઈ હતી. આખરે 18 માર્ચે શિવસેનાના સંસદસભ્ય રાહુલ શેવાળેએ કહ્યું હતું કે મહાયુતિની 42 બેઠકો પર નિર્ણય થઈ ગયો છે અને હવે ફક્ત છ બેઠકો પર ચર્ચા બાકી છે.
અત્યારે મળતી માહિતી અનુસાર શિવસેના 13 બેઠક પર, એનસીપી છ બેઠક પર અને ભાજપ 26 બેઠક પર ચૂંટણી લડવાની છે. કેટલીક બેઠકો મનસેને આપવાની પણ વિચારણા થઈ રહી છે.
આપણ વાંચો: લોકસભા ચૂંટણીઃ નાશિકની સીટનું કોકડું ઉકેલાયું, વિધિવત જાહેરાત થઈ શકે
28 તારીખે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે એવી જાહેરાત કરી હતી કે બેઠકોની વહેંચણીની ચર્ચા ફાઈનલ તબક્કા પર પહોંચી ગઈ છે અને 99 ટકા બેઠકોની વહેંચણી થઈ ગઈ છે. આ સમયે ઘટક પક્ષોના બધા જ સિનિયર નેતાઓ હાજર હતા.
બેઠકોની વહેંચણી અંગેની છેલ્લી જાહેરાત નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કરી હતી અને તેમાં તેમણે પણ એવો દાવો કર્યો હતો કે બેઠકોની વહેંચણી ફાઈનલ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે.
ક્યાં છે અવરોધ?
મહાયુતિની બેઠકોની વહેંચણીમાં પાંચ બેઠકો પર મામલો ગુંચવાયો છે. આ બેઠકોમાં થાણે, પાલઘર, નાશિક, ધારાશિવ અને માવળ બેઠકનો સમાવેશ થાય છે. છઠી રત્નાગિરિ-સિંધુદુર્ગની બેઠક હતી જેના પરથી નારાયણ રાણેને લડવાનો રસ્તો ખુલી ગયો છે. ભંડારા-ગોંદિયા અને ધારાશિવની બેઠક પરથી વર્તમાન સાંસદોને ભાજપે ઉમેદવારી જાહેર કરી દીધી હોવાથી હવે તે બેઠકોની પણ સમસ્યા રહી નથી. શિરૂરની બેઠક પરથી એનસીપીએ ઉમેદવાર આપી દીધો છે.