Lok Sabha Election: સીટ વહેંચણી મુદ્દે પ્રકાશ આંબેડકરે કોંગ્રેસ પર તાક્યું નિશાન
મુંબઈ: લોકસભાની ચૂંટણી થોડા મહિના બાકી રહ્યા છે ત્યારે વિપક્ષી પાર્ટીઓનું ઈન્ડિયા ગઠબંધન (I.N.D.I.A. Alliance) સીટોની વહેંચણીને લઈને હજી સુધી ગૂંચવાયેલું છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને હરાવવાની વિપક્ષી ગઠબંધનનું તમામ પ્લાનિંગને નિષ્ફળતા મળી રહી હોવાનું જણાય છે. એક બાજુ નરેન્દ્ર મોદીને ફ્રન્ટમાં રાખીને ચાલી રહેલા ભાજપ દ્વારા ચૂંટણી જીતવાની તૈયારીઓ પૂરી થવા આવી છે, તો બીજી તરફ મહારાષ્ટ્રમાં વંચિત બહુજન વિકાસ આઘાડીના નેતા પ્રકાશ આંબેડકરે કોંગ્રેસની નીતિને વખોડી નાખી હતી.
પ્રકાશ આંબેડકરે કહ્યું હતું કે જો કોંગ્રેસ સીટોની વહેંચણીમાં નિષ્ફળ રહેશે તો વંચિત બહુજન વિકાસ આઘાડી અને શિવસેના ઠાકરે જૂથ વચ્ચે સીટની વહેંચણીને અંતિમ માની ચૂંટણીમાં ઉતરશે. કોંગ્રેસે તેની ભૂમિકા સ્પષ્ટ કરવી જોઈએ કે તેઓ ચૂંટણી લડવા માટે ગંભીર છે કે નહીં. ચૂંટણીની તૈયારીઓને બાજુ પર મૂકીને કોંગ્રેસ ન્યાય યાત્રા માટે કામ કરી રહી છે. નીતીશ કુમાર દરેક વિરોધી પાર્ટીઓને સાથે લઈને આવ્યા છે, જેથી હવે કોંગ્રેસ પાસે ઈન્ડિયા ગઠબંધનનું સુકાન છે, તેથી તેમણે આ બાબતે ઝડપથી કોઈ નિર્ણય લેવાની જરુર છે, એવું આંબેડકરે કહ્યું હતું.
લોકસભા ચૂંટણીને લઈને રાષ્ટ્રીય પાર્ટીઓ ગંભીર નથી. જો કોંગ્રેસ સાથે નહીં આવે તો મેં અને ઉદ્ધવ ઠાકરેએ સીટોની વહેંચણી કરી લીધી છે. કોંગ્રેસ આ કામ માટે જેટલો સમય લઈ રહી છે તેનો ફાયદો ભાજપને થઈ રહ્યો છે.
કોઈ પાર્ટી પાસે ઉમેદવાર છે કે નહીં, કે વોટ શેર છે કે નહીં આ બાબતે કોઈ પણ મિટિંગ યોજવામાં આવી નથી. રાજ્યમાં તત્કાલીન સરકાર પડ્યાના એક વર્ષ પૂરું થઈ ગયું છે અને હજી સુધી સીટ વહેંચણી અને વિપક્ષી પાર્ટીના ગઠબંધનને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, એવું કહી પ્રકાશ આંબેડકરે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.