અતિક્રમણ વિરોધી ઝુંબેશ વખતે સ્થાનિકોએ કર્યો પથ્થરમારો: 10 પોલીસ કર્મચારી ઘાયલ
મુંબઈ: પવઇના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી અતિક્રમણ વિરોધી ઝુંબેશ દરમિયાન સ્થાનિકોએ કરેલા પથ્થરમારામાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સહિત 10 જેટલા પોલીસકર્મી અને પાલિકાના અમુક અધિકારી ઘવાયા હતા.
પવઇમાં હીરાનંદાની હોસ્પિટલ નજીક જય ભીમ નગર ખાતે ગુરુવારે બપોરે આ ઘટના બની હતી. મહાનગરપાલિકાની અતિક્રમણ વિરોધી ટીમ ગુરુવારે એક ખુલ્લા પ્લોટ પર 400 જેટલા ગેરકાયદે બાંધકામ હટાવવા માટે ત્યાં ગઇ હતી. સુરક્ષા માટે પોલીસ કર્મચારીઓ પણ સાથે હતા.
જોકે રહેવાસીઓએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું અને દાવો કર્યો હતો કે તેઓ ત્યાં પચીસ વર્ષથી રહે છે. જય ભીમ નગરના રહેવાસીઓએ દાવો કર્યો હતો કે પાલિકાએ 1 જૂને તેમને ઘર ખાલી કરવાની નોટિસ આપી હતી.
આ પણ વાંચો: મુંબઈમાં અતિક્રમણ હટાવવા ગયેલી પોલીસ અને BMC અધિકારીઓ પર થયો પથ્થરમારો
દરમિયાન પાલિકાની અતિક્રમણ વિરોધી કાર્યવાહી ચાલુ રાખવા માટે પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોને પોલીસે ચેતવણી આપી ત્યારે કેટલાક લોકોએ પથ્થરમારો શરૂ કર્યો હતો.
પથ્થરમારામાં એસીપી સહિત 10 પોલીસકર્મી તથા પાલિકાના અમુક અધિકારી ઘાયલ થયા હતા. ઘવાયેલા એસીપીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ ઘટના બાદ ઝુંબેશ બંધ કરી દેવાઇ હતી, પણ પથ્થરમારો ચાલુ રહ્યો હતો. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં મહિલા અને પુરુષોનું ટોળું પોલીસ અને પાલિકાના સ્ટાફ પર પથ્થરમારો કરતું નજરે પડે છે. પથ્થરમારા વખતે બચવા માટે પોલીસકર્મીઓ ભાગવાનો પ્રયાસ કરતાં દેખાય છે. (પીટીઆઇ)