કોસ્ટલ રોડને સંલગ્ન કાર પાર્કિંગની સુવિધા ઊભી કરવા મુદ્દે સ્થાનિકોએ વ્યક્ત કરી ચિંતા

મુંબઈઃ કોસ્ટલ રોડનું કામકાજ પૂરપાટ ઝડપથી ચાલી રહ્યું છે ત્યારે તેના સમાંતર પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવા અંગે સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરી હતી અને એની સામેના જોખમો અંગે પણ પ્રશાસનનું ધ્યાન દોર્યું હતું. બ્રીચ કેન્ડીના રહેવાસીઓએ કોસ્ટલ રોડના અમરસન એક્ઝિટ પર ૮૫૦ વાહનો માટે અંડરગ્રાઉન્ડ કાર પાર્કિંગની સુવિધા ઉભી કરવાના કારણે દરિયાના પાણીના પ્રવાહ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
આ વિસ્તારમાં એક રહેવાસીએ જણાવ્યું હતું કે પાણીને દરિયામાં પાછું ફેંકવા માટે પંપ બેસાડ્યા હોવા છતાં દરિયાઈ પાણીનો પ્રવાહ સતત જોવા મળી રહ્યો છે. તેઓએ ફરીથી ભરેલી જમીન પર ઊંડી ખાઈ ખોદી છે. હવે ભૂગર્ભ સ્તરથી સતત દરિયાઈ પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. દરિયાના પાણીને બહાર કાઢવા માટે પંપ ૨૪x૭ કામ કરે છે, આ એક મહિના કરતાં વધુ સમયથી ચાલુ છે.
આ પણ વાંચો: કોસ્ટલ રોડ પાલઘર સુધી: એકનાથ શિંદે
મેં અધિકારીઓને સ્પષ્ટતા માટે પત્ર લખ્યો હતો પરંતુ કોઈ જવાબ નથી મળ્યો. કોસ્ટલ રોડ સાથે ૧૮૫૭ કાર માટે ચાર સ્થળોએ બ્રીચ કેન્ડી ખાતે અમરસન, એનએસસીઆઈ વર્લી, બિંદુ માધવ ઠાકરે ચોક પાસે, અને વરલીમાં ડૉ. એની બેસન્ટ રોડ સામે ભૂગર્ભ પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવશે.
અન્ય એક સ્થાનિકે જણાવ્યું હતું તેણે આના બદલે મિયાવાકી જંગલ પસંદ કર્યું હોત. કાર પાર્કિંગની સુવિધા આ વિસ્તારમાં વધુ વાહનોનો ઉમેરો કરશે. કોસ્ટલ રોડ સાથે અમે પહેલેથી જ વધારાનો ટ્રાફિક જોઈ રહ્યા છીએ.
પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે “જીઓટેક્સટાઇલ પટલ” સાથે દરિયાની દિવાલ બનાવવામાં આવી છે. તે પાણીને પસાર થવા દેશે. કાર પાર્કિંગની સુવિધા હજુ પણ ખોદકામના તબક્કામાં છે.