CRમાં વરસાદે નહીં તો ‘આ’ કારણે ટ્રેનસેવા પર બ્રેક, સવારે કલ્યાણ તો બપોરે ઠાકુર્લીમાં બેહાલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મુંબઈ સહિત પરાના વિસ્તારોમાં રવિવાર રાતથી લઈને દિવસભર વરસાદને કારણે એકંદરે જનજીવન પર અસર થઈ હતી. મુંબઈમાં વાહન વ્યવહારનો ટ્રાફિક ધીમો પડવાની સાથે મધ્ય રેલવેની ટ્રેનસેવા પર પણ બ્રેક મૂકાઈ હતી. સવારે કલ્યાણમાં સિગ્નલ ફેઈલ્યોર થયું હતું, જ્યારે બપોરે ઠાકુર્લીમાં એન્જિન ફેઈલ્યોરને કારણે ટ્રેનસેવા પર અસર થઈ હતી.
સદ્નનસીબે મુશળધાર વરસાદ હોવા છતાં પશ્ચિમ અને મધ્ય રેલવેમાં રવિવારે રાતથી લઈને મધ્ય રેલવેમાં રેલવે ટ્રેક પર પાણી ભરાયા નહોતા. બીજી બાજુ મધ્ય રેલવેમાં સવારે કલ્યાણમાં સિગ્નલ ફેઈલ્યોરને કારણે ટ્રેનસેવાને અસર થવાથી ડોંબિવલીથી સીએસએમટીની કોઈ ટ્રેનસેવા ઉપલબ્ધ નહોતી, જેથી અનેક પ્રવાસીઓ રેલવે ટ્રેક પર ચાલી નીકળ્યા હતા.
આ પણ વાંચો: વિના ‘બ્લોક’ મધ્ય રેલવેમાં લોકલ ટ્રેનોની રફતાર પર બ્રેક, જાણો કેમ?
સિગ્નલ ફેઈલ્યોરને કારણે સવારે કલ્યાણ, ડોંબિવલી, કોપર, વિઠ્ઠલવાડી, ટિટવાલા અને ઠાકુર્લી રેલવે સ્ટેશને કલાકો સુધી કોઈ ટ્રેન નહીં હોવાથી સ્ટેશન પર જોરદાર ભીડ જોવા મળી હતી. ત્યારબાદ બપોરના ઠાકુર્લીના રેલવે સ્ટેશન નજીક મેલ-એક્સપ્રેસ ટ્રેનનું એન્જિન બગડ્યું હતું. મઉ લોકમાન્ય ટિળક ટર્મિનસ (એલટીટી) ટ્રેનનું એન્જિન ખોટકાયા પછી અન્ય એન્જિનની વ્યવસ્થા માટે કલાક જેટલો સમય લાગ્યો હતો, જેથી કલ્યાણ દિશામાં જનારી ટ્રેનસેવા પર અસર થઈ હતી.
ડોંબિવલીથી ઠાકુર્લી રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનસેવા પર અસર થવાથી ચાર નંબરના પ્લેટફોર્મથી લઈને અન્ય જગ્યાએ એક પછી એક ટ્રેનોને રોકી દેવામાં આવી હતી. મુંબઈ સહિત થાણે, કલ્યાણ-ડોંબિવલીમાં રવિવાર રાતથી મુશળધાર વરસાદ વચ્ચે પણ રેલવે ટ્રેક પર પાણી નહીં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ સવારે કલ્યાણ અને બપોરે ઠાકુર્લીમાં એમ બંને જગ્યાએ અલગ અલગ ટેક્નિકલ ફેઈલ્યોરને કારણે ટ્રેનસેવા પર બ્રેક લાગતા પ્રવાસીઓને ટ્રેનોમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી.