ચાલતી લોકલમાં મોટરમૅનનું સ્વાસ્થ્ય બગડ્યું: સમયસર ટ્રેન ઊભી રાખતાં દુર્ઘટના ટળી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ચાલતી લોકલમાં મોટરમૅનનું સ્વાસ્થ્ય બગડ્યું: સમયસર ટ્રેન ઊભી રાખતાં દુર્ઘટના ટળી

નવી મુંબઈ: સીએસએમટીથી પનવેલ તરફ જતી લોકલ ટ્રેનના મોટરમૅનનું અચાનક સ્વાસ્થ્ય લથડ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જોકે સમયસૂચકતા વાપરી મોટરમૅને બેલાપુર રેલવે સ્ટેશને ટ્રેન ઊભી રાખતાં મોટી દુર્ઘટના ટળી હતી.
મળતી માહિતી અનુસાર ઘટના શુક્રવારની રાતે 11 વાગ્યાની આસપાસ બની હતી. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી છૂટેલી ટ્રેન પનવેલ જઈ રહી હતી. ટ્રેન બેલાપુર સ્ટેશન નજીક પહોંચી ત્યારે એકાએક મોટરમૅન સી. મોડકની તબિયત બગડી હતી.

બેચેની થવા લાગ્યા પછી મોડકને ઊલટી થવા માંડી હતી. અસ્વસ્થતાને કારણે ટ્રેન પર નિયંત્રણ રાખવાનું મુશ્કેલ હોવાનું જણાતાં મોડકે તાત્કાલિક બ્રેક લગાવી ટ્રેન ઊભી રાખી હતી. મોટરમૅનની સાવચેતીને કારણે પ્રવાસીઓના જીવ બચ્યા હતા.
અધિકારીના જણાવ્યા મુજબ મોડકને સ્ટેશન પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. બાદમાં તેને નવી મુંબઈની એમજીએમ હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. અત્યારે તે હૉસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું અને તેનું સ્વાસ્થ્ય સુધારા પર હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો: મુંબઈની લોકલ ટ્રેનની ભીડે 31 વર્ષીય જવાનનો ભોગ લીધો…

દરમિયાન મોટરમૅનની નાદુરસ્ત તબિયતને કારણે લગભગ 20 મિનિટ સુધી ટ્રેન બેલાપુર સ્ટેશને રોકાઈ હતી, જેની અસર હાર્બર લાઈનની અન્ય ટ્રેનો પર પડી હતી. રેલવે પ્રશાસને બીજા મોટરમૅનની નિયુક્તિ કરી ટ્રેન આગળ રવાના કરાઈ હતી.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button