ચૂંટણીના માહોલ વચ્ચે સંવેદનશીલ પરિસર દીવામાં હેન્ડ ગ્રેનેડ મળી

બહેન-બનેવીને હેન્ડ ગ્રેનેડથી ઉડાવવાની યોજના હતી, એવો દાવો આરોપીએ કર્યો, પણ એજન્સીઓ આ કેસની તપાસમાં ઊંડી ઊતરવા માગે છે
યોગેશ સી પટેલ
મુંબઈ: મહાનગરપાલિકાઓની ચૂંટણી જાહેર થયા પછી આખું તંત્ર હાઈ અલર્ટ પર છે ત્યારે થાણેના અત્યંત સંવેદનશીલ વિસ્તાર ગણાતા દીવામાંથી રેકોર્ડ પરના આરોપી પાસેથી હેન્ડ ગ્રેનેડ મળતાં તપાસ એજન્સીઓની ઊંઘ ઊડી ગઈ હતી. જોકે વેર વાળવા બહેન-બનેવીને બૉમ્બથી ઉડાવવાની યોજના હોવાથી ઉત્તર પ્રદેશથી હેન્ડ ગ્રેનેડ ખરીદી હોવાનો દાવો આરોપીએ કર્યો હતો, પરંતુ તપાસ એજન્સીઓ આ મામલે ઊંડી તપાસ કરવા માગે છે.
વસઈની વાલિવ પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ શિવશંકર રામમારુત વિશ્ર્વકર્મા ઉર્ફે બબલુ તરીકે થઈ હતી. કોર્ટે બબલુને સાત દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.
મળતી માહિતી અનુસાર વાલિવ પોલીસ બબલુને તેની બહેન પર જ ગોળીબાર કરવાના કેસમાં શોધી રહી હતી. બીજી જાન્યુઆરીએ વસઈ પૂર્વમાં ખાડી નજીકના પરિસરમાં બબલુએ બહેન પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં તેની બહેન બચી ગઈ હતી, પણ વાલિવ પોલીસે ગુનો નોંધી બબલુની શોધ હાથ ધરી હતી.
સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસની ટીમ છેક મુંબ્રા નજીકના દીવા સુધી પહોંચી હતી. દીવાના સાબેગાંવ વિસ્તારમાંથી પોલીસને બબલુનું સ્કૂટર મળી આવ્યું હતું. પરિણામે વધુ તપાસ અને બબલુની શોધ માટે વાલિવ પોલીસે શનિવારે મુંબ્રા પોલીસ સાથે જૉઈન્ટ ઑપરેશન હાથ ધર્યું હતું.
પોલીસે સ્કૂટરની તપાસણી કરી હતી. બહેન પર ગોળીબાર માટે બબલુએ ઉપયોગમાં લીધેલી પિસ્તોલ મળવાની પોલીસને અપેક્ષા હતી, પરંતુ જે મળ્યું તે જોઈ પોલીસ ચોંકી ગઈ હતી. સ્કૂટરના ડિકીમાં પ્લાસ્ટિકની થેલીમાં સંતાડીને હેન્ડ ગ્રેનેડ રાખવામાં આવી હતી.
પોલીસે તાત્કાલિક બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડને જીવંત હેન્ડ ગ્રેનેડની માહિતી આપી હતી. ઘટનાસ્થળે પહોંચેલી બીડીડીએસની ટીમે ગ્રેનેડને નિષ્ક્રિય કરી તાબામાં લીધી હતી. આ ગ્રેનેડ મોટું નુકસાન કરવાની ક્ષમતા ધરાવતી હતી, એવું સૂત્રોએ જણાવ્યું હતું.
ચૂંટણી સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ઠેકઠેકાણે નાકાબંધી કરવામાં આવી રહી છે અને કડક સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આવા માહોલમાં હેન્ડ ગ્રેનેડ મળવી પોલીસ માટે ચિંતાનો વિષય બન્યો છે.
જોકે પૂછપરછમાં આરોપીએ દાવો કર્યો હતો કે ઘાટકોપરની પંતનગર પોલીસે એક કેસમાં તેની ધરપકડ કરી હતી. આ કેસમાં તેને જામીન પર છોડાવવામાં બહેન-બનેવીએ કોઈ રસ દાખવ્યો નહોતો, જેનો તેને ભારોભાર ગુસ્સો હતો. બાદમાં જેલમાંથી છૂટીને તે ઉત્તર પ્રદેશ ગયો હતો. ત્યાંથી પિસ્તોલ અને કારતૂસો સાથે તે હેન્ડ ગ્રેનેડ પણ ખરીદી લાવ્યો હતો. બહેન-બનેવીને બૉમ્બથી ઉડાવવાની યોજના હતી, પણ પહેલાં તેણે બહેન પર ગોળીબાર કર્યો હતો. હવે ગ્રેનેડ ફોડવાના પહેલાં જ તે પોલીસને હાથે ઝડપાઈ ગયો હતો.



