અજિત પવારના જીવને જોખમ: ગુપ્તચર સંસ્થાનો દાવો
મુંબઈ: મહારાષ્ટ્ર પોલીસને ગુપ્તચર સંસ્થા(ઇન્ટેલિજન્સ એજન્સી) દ્વારા એક અત્યંત ગંભીર માહિતી પૂરી પાડવામાં આવી છે, જેમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પર હુમલો થવાની શક્યતા હોવાનું જણાવવામાં આવ્યું છે. ગુપ્તચર સંસ્થાઓએ મહારાષ્ટ્ર પોલીસને આપેલી જાણકારી મુજબ અજિત પવારને જીવે મારી નાંખવાની યોજના હોઇ તેમના પર હુમલો થવાની શક્યતા છે.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ બદલાયેલા રાજકીય સમીકરણો બાદ અજિત પવારને જીવનું જોખમ છે. ગુપ્તચર સંસ્થાની બાતમીને પગલે મહારાષ્ટ્ર પોલીસ સતર્ક થઇ ગઇ છે, જ્યારે અજિત પવારના સમર્થકોમાં હો-હા મચી ગઇ છે.
ઇન્ટેલિજન્સ ઇનપુટ મુજબ અજિત પવાર કે પછી તેમના કાફલા પર એક મોટો હુમલો થવાની શક્યતા છે. અમુક કટ્ટરપંથી સંગઠનો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવી શકે છે. આ કાવતરાંને પાર પાડવા માટે રાજકીય ધોરણે પણ લોકોને ઉશ્કેરવામાં આવી રહ્યા હોવાનું ગુપ્તચર સંસ્થાને જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: મુશ્કેલીમાં મુકાઇ ‘મિસ યુનિવર્સ પાકિસ્તાન’, પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ISI કરશે તપાસ
માહિતી મળ્યા બાદ અજિત પવારની વિવિધ મુલાકાતો, પ્રવાસો અને તેમના કાફલાની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે અને સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. તેમની સુરક્ષા વધારવા માટે વિચારણા પણ શરૂ છે.
ઉલ્લેખનીય છે કે અજિત પવાર હાલ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સભાઓ યોજી રહ્યા છે અને સોમવારે તે જળગાંવ જિલ્લાના ધુળે અને માલેગાંવ સેન્ટ્રલની મુલાકાતે છે. આ દરમિયાન પોલીસને સતર્ક રહેવા જણાવવામાં આવ્યું છે.
અજિત પવારથી કોણ ખાસ્સું નારાજ?
ઉલ્લેખનીય છે કે અજિત પવારે પોતાના કાકા તેમ જ દિગ્ગજ નેતા શરદ પવારથી છૂટા પડીને તેમના પક્ષનું મૂળ નામ અને ચૂંટણી ચિહ્ન મેળવ્યું છે ત્યારે શરદ પવારના કટ્ટર સમર્થકો તેમનાથી નારાજ છે. અજિત પવારે શરદ પવાર સાથે દગો કર્યો અને એનસીપીનું નામ અને ચૂંટણી ચિહ્ન છીનવી લીધું તેવી લાગણી શરદ પવાર સમર્થકોમાં છે.
ત્યારે બીજી બાજુ મહાયુતિમાં પણ અનેક નેતાઓ અજિત પવારના સામેલ થવાથી નારાજ હોવાનું જણાય છે. લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ખરાબ દેખાવ બદલ અજિત પવારને જવાબદાર ગણવામાં આવતા હોવાનું પણ કહેવાય છે.