મિલિંદ નાર્વેકર જ્યાં છે ત્યાં ખુશ રહેવા દો: એકનાથ શિંદે
શિંદે સેનામાં જોડાવાની અટકળો પર મૂક્યું પૂર્ણવિરામ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી) પાર્ટીના સેક્રેટરી મિલિંદ નાર્વેકરને એકનાથ શિંદેની શિવસેના દ્વારા કરવામાં આવેલી ઑફર ફરી એકવાર ચર્ચામાં આવી છે. એવી અટકળો લાગી રહી હતી કે મિલિંદ નાર્વેકરને દક્ષિણ મુંબઈની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. મિલિંદ નાર્વેકરે આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ હવે ખુદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ અટકળોને બુધવારે નકારી કાઢી હતી.
એક મરાઠી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મિલિંદ નાર્વેકરની કથિત ઓફર પર બોલતાં કહ્યું હતું કે મિલિંદ નાર્વેકરને કોઈ ઓફર કરવામાં આવી નથી. મારો તેમની સાથે કોઈ સંપર્ક નથી. તેઓ ઉબાઠા (શિવસેના યુબીટી) પક્ષમાં છે. તેમને ત્યાં સુખેથી રહેવા દો. તેમને મારી શુભેચ્છાઓ છે.
મિલિંદ નાર્વેકર ઉદ્ધવ ઠાકરેની અત્યંત નજીકના ગણાય છે. તેઓ ઘણા વર્ષોથી ઠાકરેના વફાદાર તરીકે જાણીતા છે. જો નાર્વેકરે પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હોત તો તેને મોટો આંચકો ગણવામાં આવ્યો હોત.
આપણ વાંચો: આ તો બધા ખેડૂત પુત્રોનું અપમાન: ઉદ્ધવ ઠાકરેના નીચ વાળા નિવેદન પર એકનાથ શિંદેનો જવાબ
મહાયુતિએ હજુ સુધી દક્ષિણ મુંબઈમાં પોતાનો ઉમેદવાર નક્કી કર્યો નથી. કયો પક્ષ આ બેઠક પર ચૂંટણી લડશે તે પણ હજી સુધી સ્પષ્ટ નથી. ભાજપ પણ આ બેઠક માટે ઇચ્છુક હોવાનું કહેવાઈ રહ્યું છે અને દેવેન્દ્ર ફડણવીસના સાગર બંગલો પર ભાજપના નેતાઓની બેઠક પણ યોજાઈ હતી. ભાજપના મંગલપ્રભાત લોઢા, રાહુલ નાર્વેકર અને શિવસેનાના યશવંત જાધવ ચૂંટણી લડવા આતુર છે. તો હવે જોવાનું એ રહેશે કે આ સીટ પર ભાજપનો ઉમેદવાર રહેશે કે શિવસેનામાંથી ઉમેદવાર ઉતારવામાં આવશે.
મહાવિકાસ આઘાડીએ દક્ષિણ મુંબઈની બેઠક પરથી શિવસેના (યુબીટી)ના વર્તમાન સાંસદ અરવિંદ સાવંતને મેદાનમાં ઉતાર્યા છે. જેથી તેમની સામે કોણ ઉમેદવાર હશે તે જોવાનું રહેશે.