આમચી મુંબઈમહારાષ્ટ્ર

ભાષા વિવાદનો રેલો પહોંચ્યો ગુજરાતઃ ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી ગુજરાત-મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું

મુંબઈ: શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે મુંબઈમાં મરાઠી અસ્મિતા માટે એક રેલીનું આયોજન કર્યું હતું. મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ભાષા વિવાદ વચ્ચે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 20 વર્ષ બાદ બંને પિતરાઈ ભાઈ એક મંચ પર જોવા મળ્યા હતા. ત્યારે આ રેલી એક વિવાદ શાંત થયો નથી કે બીજો વિવાદ સર્જાઈ ગયો છે.

વાસ્તવમાં વાત આખી એમ છે કે આ મરાઠી અસ્મિતાની રેલી દરમિયાન ગુજરાતના પાટીદાર સમુદાય અને ભાજપ પર નિશાન સાધવામાં આવતા, રાજ્યના સત્તાધારી પક્ષ ભાજપમાં રોષ ફેલાયો છે. રેલી દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ આરોપ લગાવ્યો કે 2017માં ગુજરાતમાં યોજાયેલ ચૂંટણીમાં ભાજપે જીત મેળવવા માટે પાટીદારોને ઉશ્કેરીને અન્ય સમુદાયોથી અલગ કર્યા. આ નિવેદનના જવાબમાં ગુજરાત ભાજપે ઉદ્ધવ પર પલટવાર કરીને તેમની ટીકાને ખોટી અને તથ્યવિહીન ગણાવી હતી.

ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ મુંબઈમાં ‘વિજય રેલી’નું આયોજન કર્યું, જેમાં તેમણે મહારાષ્ટ્રની ભાજપ સરકારે ધોરણ 1થી હિન્દી ભણાવવાના નિર્ણયને પાછો ખેંચવાના નિર્ણયને પોતાની જીત ગણાવી હતી. આ રેલીમાં ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર આક્ષેપ કર્યો કે, “ગુજરાતમાં 2017ની ચૂંટણીમાં ભાજપે પાટીદારોને ઉશ્કેર્યા, તેમને અલગ કર્યા અને બાકીના સમુદાયોને એકઠા કરીને સત્તા મેળવી.” તેમણે હરિયાણા અને મહારાષ્ટ્રમાં પણ ભાજપ પર આવી જ રણનીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો.

ગુજરાત ભાજપના પ્રવક્તા ડૉ. ઋત્વિજ પટેલે ઉદ્ધવની ટીકાને નકારતા કહ્યું, ‘ઉદ્ધવ ઠાકરે ગુજરાત વિશે કશું જાણતા નથી. ભાજપ અને પાટીદાર સમુદાય એકબીજાનો અભિન્ન હિસ્સો છે. ગુજરાતમાં ભાજપે ત્રણ પાટીદાર મુખ્યમંત્રીઓ કેશુભાઈ પટેલ, આનંદીબેન પટેલ અને ભૂપેન્દ્ર પટેલ અને અનેક પ્રદેશ અધ્યક્ષો આપ્યા છે.’ આ ઉપરાંત તેમણે ઉદ્ધવને તથ્યો તપાસવાની સલાહ આપી.

આપણ વાંચો:  મહારાષ્ટ્ર માટે લોહી રેડનાર યુપીના પ્રવીણે રાજ ઠાકરેને પુછ્યો પ્રશ્ન.., મરીન કમાન્ડોએ ભાષા વિવાદના અંતની કરી અપીલ

જ્યારે ભાજપના અન્ય પ્રવક્તા હિતેન્દ્ર પટેલે ઉદ્ધવ ઠાકરે પર ‘કોંગ્રેસની ભાષા’ બોલવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, ‘ગુજરાતમાં ભાજપના ઉદયમાં પાટીદાર સમુદાયનો મોટો ફાળો છે. બદલામાં, ભાજપે સમુદાયની પ્રગતિ માટે અનેક પગલા લીધાં છે. ઉદ્ધવે જાતિ અને ધર્મના આધારે વિભાજન કરતી ભાષા ટાળવી જોઈએ.’ આ વિવાદે ગુજરાત અને મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button