આમચી મુંબઈ

શું લાડકી બહિણ યોજના મહાયુતિ સરકાર માટે માથાનો દુખાવો બની રહી છે? કેબિનેટ પ્રધાનનું નિવેદન ચર્ચામાં

મુંબઈઃ મુખ્ય પ્રધાનની લાડકી બહિણ યોજના મહાયુતિ માટે સત્તામાં પાછા ફરવા માટે ગેમ-ચેન્જર બની છે. જોકે, વારંવાર એવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે ઘણા વિકાસ કાર્યો અને વિવિધ વિભાગોના ભંડોળ આ યોજના માટે વાળવામાં આવ્યા છે. હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અજિત પવાર જૂથના એક ધારાસભ્યએ કહ્યું કે લાડકી બહિણ યોજના વિકાસ ભંડોળમાં વિલંબનું કારણ બની રહી છે. આ કારણે, આ યોજનાને લઈને રાજકીય વર્તુળોમાં ફરી એકવાર આક્ષેપો અને પ્રતિઆક્ષેપો શરૂ થયા છે.

ભંડોળ મળવામાં વિલંબ માટે ‘લાડકી બહિણ’ કારણભૂત

કેબિનેટ પ્રધાન દત્તાત્રેય ભરણેએ તાજેતરમાં ઇન્દાપુરમાં ચેક વિતરણ કાર્યક્રમમાં ઇન્દાપુર તાલુકાના વિકાસ કાર્યો અને તેના માટે મળેલા વિકાસ ભંડોળ અંગે વિગતવાર ટિપ્પણી કરતા કહ્યું હતું કે વિકાસનું ભંડોળ મળવામાં વિલંબ પાછળ ‘લાડકી બહિણ યોજના’ કારણભૂત છે. તેમના આ નિવેદનને કારણે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચો: લાડકી બહિણ યોજનાઃ મહાયુતી સરકારની સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિ, હવે તો…

બધું ધીમે ધીમે પાટા પર આવી રહ્યું હોવાનો દાવો

ભરણેએ કહ્યું કે, “હું મુંબઈ, પુણે કે ક્યાંય પણ હોઉં, હું એ જાણવાનો પ્રયાસ કરી રહ્યો છું કે ઇન્દાપુર તાલુકાને તેમાંથી મહત્તમ ભંડોળ કેવી રીતે મળી શકે. આજે, લાડકી બહિણ યોજનાને કારણે, ભંડોળ આવવામાં થોડો વિલંબ થઈ રહ્યો છે, પરંતુ બધું ધીમે ધીમે પાટા પર આવી રહ્યું છે.”

કેબિનેટ પ્રધાને પોતે આડકતરી રીતે આ વાત સ્વીકારી

થોડા મહિના પહેલા શરૂ થયેલી આ યોજના સરકારી તિજોરી પર દબાણ લાવી રહી હોવાની ચર્ચા હતી. ઉપરાંત, રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા હતી કે આનાથી અન્ય વિકાસ કાર્યો માટે ભંડોળ ફાળવવામાં વિલંબ થઈ રહ્યો છે. જોકે, હવે જ્યારે કેબિનેટ પ્રધાને પોતે આડકતરી રીતે આ વાત સ્વીકારી છે, ત્યારે આ ચર્ચાને વધુ બળ મળ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button