મહિલાઓના મતો મેળવવા માટેનો ‘જુગાડ’ છે લાડકી બહેન યોજના: ભાજપના વિધાનસભ્યે બાફ્યું
મુંબઈ: સત્તાધારી મહાયુતિ ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિન યોજના’ને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલાં વર્તમાન સરકારની મોટી સિદ્ધિ તરીકે સ્થાપિત કરવાના પ્રયાસ કરી રહી છે ત્યારે ભાજપના એક વિધાનસભ્યે આ યોજના મહિલાઓના મતો અંકે કરવાનો ‘જુગાડ’ હોવાનું નિવેદન કરી નાખ્યું છે.
નાગપુર જિલ્લાની કામટી બેઠકના વિધાનસભ્ય ટેકચંદ સાવરકરે કરેલા વિવાદાસ્પદ નિવેદનનો આટલો જ હિસ્સો પકડીને કૉંગ્રેસે એવી ટીકા કરી હતી કે આના પરથી એકનાથ શિંદે સરકારની આ જનકલ્યાણ યોજના લાગુ કરવાનો ખરો હેતુ સ્પષ્ટ થઈ ગયો છે.
અહીં ઉલ્લેખનીય છે કે મંગળવારે પોતાના મતદારસંઘમાં એક સભાને સંબોધતાં ટેકચંદે કહ્યું હતું કે મહિલાઓ ભાજપ માટે મતદાન કરે તે માટે અમે મુખ્યમંત્રી માઝી લાડકી બહિન યોજનાનો જુગાડ લઈને આવ્યા છીએ. નહીં તો તમે જ મને પ્રમાણિકતાથી કહો કે મહિલાઓ ચૂંટણીમાં ક્યા કારણસર ભાજપને મતદાન કરવાના હતા?
આપણ વાંચો: 80 લાખ મહિલાના ખાતામાં જમા થયા લાડકી બહિન યોજનાના રૂ. 3000: એકનાથ શિંદે
ટેકચંદે પછી સ્ટેજ પર વિરાજમાન અન્ય લોકો તરફ હાથ દેખાડીને કહ્યું હતું કે આ લોકોએ તમને કદાચ આ યોજના માટે ગેરમાર્ગે દોર્યા હશે, પરંતુ હું સાચાબોલો છું. આપણે ભાજપના કાર્યકર્તાઓ છીએ અને આપણો અત્યારે એક જ સ્વાર્થ છે ચૂંટણીમાં મતો મેળવવા.
કૉંગ્રેસના નેતા અને વિધાનસભામાં વિપક્ષી નેતા વિજય વડેટ્ટીવારે ટેકચંદના ભાષણની એક ક્લિપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી હતી અને ભાજપની ટીકા કરતાં કહ્યું હતું કે છેવટે મહાયુતિ સરકારની ટ્રિક ઉઘાડી પડી ગઈ છે. આ ભાજપના વિધાનસભ્ય જ કહે છે કે મહાયુતિના નેતાઓ જુઠું બોલી રહ્યા છે. લાડકી બહેન યોજના મહિલાઓ માટે નહીં, મતો મેળવવા માટે તૈયાર કરવામાં આવી હતી. આ જુગાડ મતોનો દુકાળ સહન કરી રહેલી મહાયુતિનો છે. (પીટીઆઈ)