મહિલાઓ માટે મહત્ત્વના સમાચારઃ સરકારે આ યોજના માટે e-KYC કરવાની તારીખ લંબાવી…

મુંબઈઃ રાજ્યની મહિલાઓને મોટી રાહત આપતા મહારાષ્ટ્ર સરકારે ‘મુખ્યમંત્રી માજી લાડકી બહીણ યોજના’ હેઠળ ઈ-કેવાયસી માટેની અંતિમ તારીખ લંબાવી છે. મહારાષ્ટ્રમાં લાડકી બહીણ યોજનાનો લાભ મેળવવા માટે, મહારાષ્ટ્ર સરકારે અગાઉ e-KYC માટે આજની અંતિમ તારીખ નક્કી કરી હતી જે હવે લંબાવીને 31 ડિસેમ્બર, 2025 કરવામાં આવી છે. મહારાષ્ટ્રના મહિલા અને બાળ વિકાસ પ્રધાન અદિતિ તટકરેએ મંગળવારે આ માહિતી આપી હતી. એ નોંધવું જોઈએ કે e-KYC લાભાર્થીની ઓળખ અને વ્યક્તિગત માહિતી ડિજિટલ રૂપે લેવામાં આવે છે.
અદિતિ તટકરેએ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને અજિત પવારના નિર્દેશો પર ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહીણ યોજના’ હેઠળ ઈ-કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ 18 નવેમ્બરથી વધારીને 31 ડિસેમ્બર કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે જુલાઈમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી લાડકી બહીણ યોજના રાજ્યની એક મુખ્ય યોજના છે. આ યોજના હેઠળ 21થી 65 વર્ષની વયની મહિલાઓ જેમની વાર્ષિક કૌટુંબિક આવક 2.5 લાખથી ઓછી છે તેમને દર મહિને રૂપિયા 1,500ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. મહારાષ્ટ્રમાં 2.3 કરોડથી વધુ લાભાર્થી મહિલાઓ આ યોજના હેઠળ નોંધાયેલી છે.
મુખ્યમંત્રી માજી લાડકી બહીણ યોજના હેઠળ, 1500 રૂપિયાની રકમ સીધી પાત્ર લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. મહારાષ્ટ્ર સરકારે આ વર્ષે સપ્ટેમ્બરમાં આ યોજના માટે ‘ઈ-કેવાયસી’ ફરજિયાત બનાવ્યું હતું, જેનાથી લાભાર્થીઓને પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પૂરતો સમય મળ્યો હતો અને આ સંદર્ભમાં સરકારી ઠરાવ પણ જારી કરવામાં આવ્યો હતો.
અદિતિ તટકરેએ આ મહિનાની શરૂઆતમાં ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે મહિલાઓ માટે સામાજિક અને આર્થિક સશક્તિકરણ પહેલ તરીકે શરૂ કરાયેલી આ યોજનાને રાજ્યમાં વ્યાપક સમર્થન અને વિશ્વાસ મળી રહ્યો છે.



