ઇફ્તાર પાર્ટીમાં તો અડવાણી પણ આવ્યા હતાઃ કોંગ્રેસે કહ્યું કે…
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ દ્વારા આપવામાં આવતી ઇફ્તાર પાર્ટીને લઇ આપવામાં આવેલા નિવેદનને પગલે કૉંગ્રેસ નારાજ થઇ હોવાનું જણાય છે. જેને પગલે કૉંગ્રેસ દ્વારા ફડણવીસને વળતો જવાબ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના ચીફ જસ્ટિસ (સીજેઆઇ-ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા)ના ઘરે લવાયેલા ગણપતિ ભગવાનના દર્શન કરવામાં આવ્યા ત્યાર બાદ મોટો વિવાદ ઊભો થયો હતો અને વિપક્ષ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો.
આ જ વિવાદને પગલે દેવેન્દ્ર ફડણવીસે પણ વિપક્ષની ટીકા કરતા તેમને મનમોહન સિંહ દ્વારા આપવામાં આવતી ઇફ્તાર પાર્ટીમાં દેશના ચીફ જસ્ટિસ સામેલ થતા હોવાનું જણાવ્યું હતું.
આપણ વાંચો: જૂતા મારો આંદોલન કરનારી એમવીએને દેવેન્દ્ર ફડણવીસે ફટકારી, કર્યા આ સવાલો
ફડણવીસના આ નિવેદન બાદ કૉંગ્રેસે તેમના પર વળતો પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે આ વાત સાચી છે કે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે આપેલી ઇફ્તાર પાર્ટીમાં દેશના સીજેઆઇ પહોંચ્યા હતા, પરંતુ આ પાર્ટી જાહેરમાં કરવામાં આવી હતી અને એલ.કે.અડવાણી જેવા નેતાઓ પણ તેમાં સામેલ થયા હતા.
ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભા સાંસદ સંજય રાઉત સહિતના વિરોધ પક્ષના નેતા દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સીજેઆઇ ડી.વાય.ચંદ્રચૂડના ઘરે લેવાયેલા ગણપતિજીના દર્શનના મુદ્દે ટીકા કરવામાં આવી હતી અને દેશની ન્યાયવ્યવસ્થા સુદ્ધાં પર સવાલ ઊભા કરવામાં આવ્યા હતા.