‘બધી જ દીકરી આપણી છે, તો પછી કોલકાતા મુદ્દે વિપક્ષ કેમ ચૂપ?’: દેવેન્દ્ર ફડણવીસ
દીકરીઓ મુદ્દે રાજકારણ કરતા વિપક્ષ પર ફડણવીસનો ઘા
મુંબઈ: બદલાપુરમાં માસૂમ બાળકીઓ સાથે થયેલા દુષ્કર્મ બાબતે મહાવિકાસ આઘાડી દ્વારા ગૃહ ખાતું સંભાળનારા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની માગણી થઇ રહી છે ત્યારે ફડણવીસે વિપક્ષ પર વળતો પ્રહાર કર્યો છે. વિપક્ષ આવા સંવેદનશીલ મામલે રાજકારણ રમી રહ્યું હોવાનો આરોપ સત્તાધારી પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે તેવામાં ફડણવીસે વિપક્ષ બેવડું વલણ ધરાવતું હોવાનો આરોપ મૂક્યો છે.
આ પણ વાંચો: ‘ તો હું રાજકારણમાંથી સંન્યાસ લઇ લઇશ’, એવું કેમ કહ્યું દેવેન્દ્ર ફડણવીસે?
દેવેન્દ્ર ફડણવીસે વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે મને એક વાત કહેવી છે કે દીકરી કોઇપણ હોય તે આપણી જ હોય છે. કોલકાતામાં એક મહિલા ડૉક્ટર ઉપર થયેલા બળાત્કાર અને હત્યાના પ્રકરણે બોલવા માટે મહાવિકાસ આઘાડીના નેતાઓનું મોં નથી ઉઘડતું. કોલકાતાની મહિલા ડૉક્ટર પર થયેલા બળાત્કાર પછી પણ તેઓ મમતા બેનર્જીની પ્રશંસા કરતા રહ્યા. એક શબ્દ બોલીને પણ તેમણે એ ઘટનાનો વિરોધ ન કર્યો. જ્યારે મહારાષ્ટ્રમાં આવી ઘટના બની તો સરકારનું રાજીનામું અને ગૃહ પ્રધાનનું રાજીનામું આપવાની માગણી કરવા લાગ્યા છે.
આ પણ વાંચો: Ladki Bahin Yojana: બહેનનો પ્રેમ વેંચાતો ખરીદી ન શકાય: દેવેન્દ્ર ફડણવીસ
કોલ્હાપુરના તપોવન મેદાનમાં મહિલા સશક્તિકરણ અભિયાનના કાર્યક્રમ દરમિયાન બોલતા ફડણવીસે કહ્યું હતું કે બદલાપુરની ઘટનાના આરોપીઓને કડક સજા કરવામાં આવશે. આવી ઘટનાઓના આરોપીઓને છોડવામાં નહીં આવે. તેમને ફાંસી મળે એ માટે પ્રયત્ન રહેશે. તેમને કડક સજા ન મળે ત્યાં સુધી શાંત બેસી નહીં રહેવાય એવું અમે નક્કી કર્યું છે. કોઇપણ પરિસ્થિતિમાં મહિલાઓ વિરુદ્ધ થતા અત્યાચાર સહન કરવામાં નહીં આવે.
રડીશું નહીં, લડીશું
નરાધમોને ફાંસીના માંચડે લટકાવાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે એમ કહેતા ફડણવીસે કહ્યું હતું કે અમને છત્રપતિ શિવાજી મહારાજે કહ્યું છે કે રડવાનું નહીં, લડવાનું છે. અમે નાસી જનારાઓમાંના નથી, અમે લડનારાઓ છીએ. આવી ઘટનાઓમાં નરાધમોને સજા ન થાય ત્યાં સુધી પીછેહટ નહીં કરીએ. કંઇપણ થાય, નરાધમોને પતાવ્યા સિવાય અમે પાછળ નહીં હટીએ. આ વાત વિરોધકોને મક્કમપણે કહેવા માટે હું અહીં આવ્યો છું. તેમને રાજકારણ કરવા દો, કારણ કે તે સંવેદનહીન છે.