Ladki Bahin Yojana: બહેનનો પ્રેમ વેંચાતો ખરીદી ન શકાય: દેવેન્દ્ર ફડણવીસ
મુંબઈ: મહારાષ્ટ્રના બજેટમાં જાહેરાત થઇ ત્યારથી જ લાડકી બહેન યોજના ચર્ચાના ચકડોળે ચઢી છે અને વિપક્ષની સતત ટીકાનો વિષય બનેલી છે ત્યારે મહાયુતિના ભાગ એવા વિધાનસભ્ય રવિ રાણાએ આપેલા નિવેદનના કારણે ફરી વિવાદ સર્જાયો અને વિપક્ષે રાણાના નિવેદનની ટીકા કરી. જોકે, આ મુદ્દે વિપક્ષને જવાબ આપતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે કોઇનો બાપ પણ લાડકી બહેન યોજના બંધ નહીં કરી શકે.
જળગાંવમાં લાડકી બહેન યોજનાના કાર્યક્રમ દરમિયાન બોલતા ફડણવીસે કહ્યું હતું કે અરે મૂર્ખાઓ ભાઉબીજ આપી હોય તો તે પાછી લઇ શકાય નહીં. કોઇનો બાપ પણ લાડકી યોજના બંધ નહીં કરી શકે. લાડકી બહેન યોજનાનો નિર્ણય ઘણા પેટમાં દુ:ખાવો બન્યો છે. કોઇ કહે છે કે અમે લાંચ આપીએ છીએ, કોઇ કહે છે મત ખરીદી રહ્યા છીએ. અરે નાલાયકો, કોઇપણ બહેનનો પ્રેમ વેંચાતો ખરીદી ન શકે. આ તહેવારે પોતે ઉપવાસ રાખી બહેન ભાઇને ભોજન કરાવે છે. કોઇ કહે છે કે 1,500 રૂપિયા પાછા લઇશું. અરે મૂર્ખાઓ આપેલી ભાઉબીજ પાછી ન લઇ શકાય.
મહિલાઓને સશક્ત કરવા વિશે ફડણવીસે કહ્યું હતું કે આ યોજના કોઇપણ બંધ નહીં કરી શકે. મહિલાઓને સક્ષમ કરવાનો નિર્ણય અમે લીધો. ભવિષ્યમાં મહિલા સક્ષમ થયા બાદ મહારાષ્ટ્ર ક્યારેય પણ પાછળ નહીં પડે. મુખ્ય પ્રધાને યોગ્ય નિર્ણય લીધો છે કારણ કે અમારી મહિલા બચત ગટનો એક એક રૂપિયો પાછો આપે છે. મહિલાઓના હાથમાં ગયેલા પૈસા હંમેશા યોગ્ય જગ્યાએ જ ઉપયોગમાં લેવાય છે. પુરુષોના હાથમાં પૈસા આવે તો ક્યાં જાય તે કહી ન શકાય.
વિધાનસભ્ય રવિ રાણાએ જે મહિલાઓ મહાયુતિને આશીર્વાદ એટલે કે મત નહીં આપે તેમને આપવામાં આવેલા 1,500 રૂપિયા પાછા લઇ લેવામાં આવશે, એવું નિવેદન આપ્યું હતું. જોકે, એ મશ્કરી કરી રહ્યા હોવાનું ફડણવીસે જણાવતા કહ્યું હતું કે રવિ રાણાએ મજાકમાં એમ કહ્યું હતું. શિંદે જૂથના વિધાનસભ્યએ ડિસેમ્બર બાદ યોજનામાંથી વિરોધ પક્ષના નામો કાઢી નાખવામાં આવશે તેવી મજાક પણ કરી હતી.
Also Read –