માટુંગાના કચ્છી વેપારીએ અટલ સેતુ પરથી લગાવી મોતની છલાંગ
હતાશામાં અંતિમ પગલું ભર્યું હોવાની પોલીસને શંકા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અટલ સેતુ પરથી દરિયામાં ઝંપલાવી રાષ્ટ્રીયકૃત બેન્કના મેનેજરે આત્મહત્યા કરી હોવાની ઘટના તાજી છે ત્યારે અનેક અગ્રગણ્ય સંસ્થાઓ સાથે સંકળાયેલા માટુંગાના 51 વર્ષના કચ્છી વેપારીએ પણ બુધવારે સવારના અટલ સેતુ પરથી મોતની છલાંગ લગાવી હતી.
વેપારીની માનસિક સ્થિતિ સારી નહોતી અને કેટલાક સમયથી તેઓ ડિપ્રેશનમાં હતા. તેમની સારવાર પણ ચાલી રહી હતી, એવું તેમની પત્નીએ પોલીસને જણાવ્યું હતું.
કચ્છના માંડવી તાલુકાના નાની ખાખરના વતની ફિલિપભાઇ હિતેનચંદ શાહ (દેઢિયા) માટુંગામાં તેલંગ રોડ પર રાજ નિકેતન ખાતે પત્ની સેજલ અને બે પુત્ર દેવ તથા યુગ સાથે રહેતા હતા. કચ્છી વિશા ઓશવાળ જૈન સમાજના ફિલિપભાઇ મસ્જિદ બંદર દેરાવાસી મહાજન પાલાગલી શાળાના ટ્રસ્ટી પણ હતા.
ફિલિપભાઇ બુધવારે સવારે આઠ વાગ્યે કાર્યક્રમમાં જઇ રહ્યાનું કહીં ઘરેથી નીકળ્યા હતા. કારમાં તેઓ અટલ સેતુ પર પહોંચ્યા હતા. કાર થોભાવ્યા બાદ તેઓ નીચે ઊતર્યા હતા અને બાદમાં દરિયામાં ઝંપલાવી દીધું હતું.
આપણ વાંચો: પ્રાણી આત્મહત્યા નથી કરતાં… એ વિશેષાધિકાર માત્ર મનુષ્યને જ છે
ન્હાવા શેવા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અંજુમ બાગવાને જણાવ્યું હતું કે સવારે નવ વાગ્યે અમને માહિતી મળી હતી કે નવી મુંબઈ મુંબઇથી લગભગ 14.4 કિલોમીટર દૂર અટલ સેતુ પર અજાણી વ્યક્તિએ ઉત્તર તરફ પોતાની કાર થોભાવ્યા બાદ દરિયામાં ઝંપલાવ્યું છે.
આ માહિતી મળ્યા બાદ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યુ ટીમની મદદથી એ વ્યક્તિને બહાર કાઢી હતી. તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, પણ ડોક્ટરોએ તપાસી તેને મૃત જાહેર કરી હતી.
દરમિયાન અમે કારમાં તપાસ કરતાં આધાર કાર્ડ મળી આવ્યું હતું જેના પરથી એ વ્યક્તિની ઓળખ ફિલિપ શાહ તરીકે થઇ હતી. અમે બાદમાં શાહના પરિવારનો સંપર્ક સાધ્યો હતો.
શાહનાં પત્નીએ પોલીસને આવેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેમના પતિ કેટલાક સમયથી ડિપ્રેશનમાં હતા અને તેમની સારવાર પણ ચાલી રહી હતી. બાગવાને જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી અમને કોઇ સુસાઇડ નોટ મળી આવી નહોતી.
ફિલિપભાઇ શાહના નાના ભાઇ નયનનાં પત્નીએ જણાવ્યું હતું કે ફિલિપભાઇનો ચેમ્બુર વિસ્તારમાં ગાર્મેન્ટનો વ્યવસાય છે. ઉપરાંત તેઓ એક કંપનીમાં સીઇઓ પણ હતા. તેમણે અંતિમ પગલું ભર્યું હોવાની જાણ થતાં અમને ખૂબ આઘાત લાગ્યો છે. તેમની કારમાંથી પોલીસને આધાર કાર્ડ મળ્યું હતું અને પોલીસે બાદમાં અમારો સંપર્ક સાધ્યો હતો.