આમચી મુંબઈ

કુણાલના ‘કારનામા’: શિંદે જ નહીં, આ અગાઉ અનેક વિવાદોમાં ફસાયો છે કામરા…

મુંબઈઃ સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા દ્વારા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને લઈને આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે. મહાયુતિ સરકારે કુણાલના નિવેદનની નિંદા કરી છે અને માફીની માંગ કરી છે તો સામે વિપક્ષો ખાસ કરીને શિવસેના (યુબીટી) એ કોમેડિયનને ટેકો આપ્યો છે.

હવે શિંદેએ પોતે આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં કુણાલના કટાક્ષની સરખામણી કોઈની વિરુદ્ધ બોલવા માટે સોપારી લેવા સાથે કરી હતી. કામરાની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા શિંદેએ કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા છે અને અમે વ્યંગ પણ સમજીએ છીએ, પરંતુ તેની મર્યાદા હોવી જોઈએ.

જોકે, કામરાના ઈતિહાસ પર નજર કરીએ તો જણાશે કે આ પહેલીવાર નથી કે જ્યારે તે વિવાદાસ્પદ ટિપ્પણીઓના કારણે વિવાદોમાં સપડાયો હોય. જાણે તેને પ્રશાસનની ટીકા કરવા અથવા પબ્લિસિટીમાં રસ હોય એમ દરેક વખતે કોઈના કોઈ પ્રકરણમાં વિવાદમાં સપડાય છે. જાણીએ કુણાલ કામરાએ આ પહેલા ક્યારે વિવાદાસ્પદ નિવેદન આપ્યાં છે.

આપણ વાંચો: એકનાથ શિંદે વિશે વાંધાજનક ટિપ્પણી: સ્ટૅન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા વિરુદ્ધ પોલીસે નોટિસ જારી કરી

  1. સુપ્રીમ કોર્ટ પર ‘બ્રાહ્મણ-બનિયા’ની ટિપ્પણી
    મે 2020માં કુણાલ કામરા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં તેના પર તેના શો ‘બી લાઇક’ દરમિયાન સુપ્રીમ કોર્ટને ‘બ્રાહ્મણ-બનિયા’ કેસ કહેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ એટર્ની જનરલ કેકે વેણુગોપાલે સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા કથિત રીતે ન્યાયતંત્ર અને ન્યાયાધીશોના અપમાન બદલ કામરા સામેની કાર્યવાહીને મંજૂરી આપી હતી.
  2. અર્નબ ગોસ્વામી સાથે વિવાદ, એરલાઈન્સ કંપનીનો પ્રતિબંધ
    જાન્યુઆરી 2020માં કુણાલ કામરાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે મુંબઈથી લખનઉની ફ્લાઈટમાં સાથી પેસેન્જર પત્રકાર અર્નબ ગોસ્વામીને તેની સીટ પર જઈને હેરાન કરતો હતો. આ ઘટના બાદ ઈન્ડિગો, એર ઈન્ડિયા, ગો એર અને સ્પાઈસ જેટ જેવી કંપનીઓએ કુણાલ કામરા પર ગેરવર્તન બદલ છ મહિનાનો પ્રતિબંધ લગાવી દીધો હતો. આ સમગ્ર ઘટના અંગે કુણાલ કામરાએ પોતે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેણે અર્નબ વિશે નિવેદન આપ્યું હતું અને પત્રકારને કાયર કહ્યો હતો.

    આપણ વાંચો: કુણાલ કામરા વિવાદઃ કોલ રેકોર્ડિંગની થશે તપાસ, જાણો દિવસ દરમિયાન શું થયું?
  3. કોમેડિયન બાળકનો એડિટેડ વીડિયો શેર કરતા ફસાયો હતો
    મે 2020માં કુણાલ કામરાએ એક એડિટેડ વીડિયો શેર કર્યો. જેમાં પીએમ મોદીના જર્મની પ્રવાસ દરમિયાન ગીત ગાતા સાત વર્ષના બાળકના વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી હતી. આ પછી, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સે કોમેડિયન વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી અને તેને તાત્કાલિક વીડિયો હટાવવા માટે કહ્યું હતું. જો કે કુણાલ કામરાએ પોતાના બચાવમાં કહ્યું હતું કે આ વીડિયો જાહેરમાં ઉપલબ્ધ છે. પોતાની પોસ્ટમાં તેણે કહ્યું કે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સે મીમ પોસ્ટ કરવા બદલ તેની સામે કાર્યવાહીની માંગ કરી છે.
  4. જ્યારે કામરા સુપ્રીમ કોર્ટના તિરસ્કારના મામલામાં ઘેરાયો હતો
    કુણાલ કામરા 2020માં સુપ્રીમ કોર્ટના અવમાનના કેસમાં ઘેરાયો હતો. વાસ્તવમાં, જ્યારે સુપ્રીમ કોર્ટે પત્રકાર અર્નબ ગોસ્વામી સાથે જોડાયેલા કેસમાં કુણાલ કામરાને જામીન આપવાનો નિર્ણય કર્યો ત્યારે કુણાલ કામરાએ તત્કાલીન ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને ટોણો માર્યો હતો. તેણે X (અગાઉ ટ્વિટર) પર સુપ્રીમ કોર્ટને ‘દેશની સર્વોચ્ચ મજાક’ ગણાવીને એક એડિટેડ ફોટો પણ પોસ્ટ કર્યો હતો. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે ડિસેમ્બર 2020માં કામરાને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. કોમેડિયનને કોર્ટના તિરસ્કારના કેસમાં ખુલાસો કરવા કહેવામાં આવ્યું હતું. જો કે, કામરાએ તેના સત્તાવાર નિવેદનમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાને ટાંકીને નિવેદન પાછું ખેંચવાનો ઇનકાર કર્યો હતો.
  5. કોરોનાવાયરસ રોગચાળાને લઈને પીએમ મોદીની ટીકા
    2021માં કુણાલ કામરાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કોરોના વાઈરસ રોગચાળા વખતે ટીકા કરી હતી.
  6. દેવી-દેવતાઓના અપમાન અંગે VHPની કાનૂની નોટિસ
    સપ્ટેમ્બર 2022માં હરિયાણાના ગુરુગ્રામમાં યોજાનાર કુણાલ કામરાનો શો રદ કરવામાં આવ્યો હતો. કુણાલ પર હિન્દુ દેવી-દેવતાઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ હતો.
  7. ઓલાના સીઈઓને નિશાન બનાવીને કરી હતી ટીકા
    કુણાલ કામરાએ ઓલા ઈલેક્ટ્રિકના સીઈઓ ભાવિશ અગ્રવાલની ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટીના ગ્રાહકોની ફરિયાદોનું નિરાકરણ ન કરવા બદલ નિંદા કરી અને તેને શક્ય તેટલી વહેલી તકે સમસ્યાઓ ઉકેલવા અથવા ગ્રાહકોના પૈસા પરત ખેંચવા જણાવ્યું હતું.
  8. ઉમર ખાલિદ સાથે ફોટો શેર કર્યા બાદ વિવાદમાં ફસાયો
    કુણાલ કામરા તેના પોડકાસ્ટ શો ‘શટ અપ યા કુણાલ’ માટે પણ ચર્ચામાં રહ્યો હતો. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે તેના અને ઉમર ખાલિદના સંબંધોને નિશાન બનાવ્યા હતા. વાસ્તવમાં, આરોપી ઉમર ખાલિદ 2020માં દિલ્હીમાં થયેલી હિંસાના કેસમાં જેલમાં છે. જોકે, કુણાલ સમયાંતરે તેને સપોર્ટ કરતો રહે છે.
  9. ચૂંટણી પંચ અને ઈવીએમની ટીકા
    કુણાલ કામરાએ અલગ-અલગ સમયે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ અને વીડિયો દ્વારા ચૂંટણી પંચ અને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનના ઉપયોગની ટીકા કરી છે. ઘણા રાજકીય પક્ષોએ પણ આ મુદ્દે કુણાલ કામરાને આડે હાથ લીધો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button