એક જ મંચ પર અજિત પવાર અને સુપ્રિયા સુળે સાથે જોવા મળ્યા પછી શું થયું જાણો?

પુણે: પુણે મહાનગર પાલિકા દ્વારા આજે એક મલ્ટીસ્પેશિયાલિટી હૉસ્પિટલ સાથે બીજા અનેક પ્રોજેકટનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તેમ જ શરદ પવાર જૂથના નેતા સુપ્રિયા સુળે પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન સુપ્રિયા સુળે અને અજિત પવાર બંને વચ્ચે પાલિકાની ચૂંટણીને લઈને શાબ્દિક યુદ્ધ સર્જાયું હતું.
આ કાર્યક્રમ દરમિયાન સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે અનેક દિવસથી આ વોર્ડમાં કોઈ નગરસેવક નથી. છેલ્લા અઢી વર્ષથી પુણે પાલિકાની ચૂંટણી નહીં થતાં સામાન્ય નાગરિકોએ કોની પાસે જવું? એ સવાલ સતાવતો હતો. યશવંતરાવ ચવ્હાણનું સપનું હતું કે સત્તાનું વિકેન્દ્રીકરણ થવું જોઈએ. આ કામકાજ માટે નગરસેવકો મહત્ત્વની ભૂમિકા ભજવે છે, જેથી પાલિકાની ચૂંટણી ઝડપી કરાવવી જોઈએ, જેથી લોકોને આધાર મળશે, એવું સુપ્રિયા સુળેએ કહ્યું હતું.
સુપ્રિયા સુળેના ભાષણ બાદ અજિત પવારે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટને લીધે પાલિકા ચૂંટણી અટકી ગઈ છે. મને લાગે છે કે અમે લોકો દ્વારા ચૂંટાયેલા કાર્યકરો છે. સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે સુનાવણી ચાલી રહી છે અને એના માટે રાજ્ય સરકાર પણ દરેક રીતે પ્રયત્ન કરી રહી છે. હાલમાં મહાયુતિની સરકાર છે, તેથી ચૂંટણી પણ જલ્દી થશે, એમ કહીને અજિત પવારે તેમની બહેન સુપ્રિયા સુળેને ટોણો માર્યો હતો.
અજિત પવારે કહ્યું હતું કે છેલ્લા બે વર્ષથી લોકોના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને આરોગ્ય સુવિધાઓને વધારવા પર ધ્યાન અપાઈ રહ્યું છે. દરેક ગરીબોની સમસ્યાને દૂર કરવા માટે પ્રશાસન દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવી રહ્યા છે. દરેકને ઉત્તમ સુવિધાઓ મળે તે માટે 10 ટકા મફત હૉસ્પિટલ બેડ અને છ ટકા હૉસ્પિટલ બેડને સરકારના દરે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એવું અજિત પવારે જણાવ્યું હતું