આમચી મુંબઈમહારાષ્ટ્ર

કસાબનો કાળ બનનારા ઉત્તર મુંબઈના ભાજપના ઉમેદવાર ઉજ્જ્વલ નિકમ વિશે જાણો

હાલના સાંસદ પૂનમ મહાજનની ટિકીટ કપાઇ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
ભારતના ઇતિહાસના સૌથી લોહિયાળ અને ખૂંખાર આતંકવાદી હુમલાને અંજામ આપનારા નરાધમ મોહમ્મદ અજમલ આમિર કસાબને ફાંસીના માંચડે લટકાવવામાં અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા સરકારી વકીલ ઉજ્જ્વલ નિકમને ભાજપ દ્વારા ઉત્તર-મધ્ય મુંબઈ બેઠક પરથી ઉમેદવારી સોંપવામાં આવી છે.

શનિવારે ભાજપ દ્વારા પોતાના ઉમેદવારની 15મી યાદી બહાર પાડવામાં આવી હતી, જેમાં ફક્ત એક જ નામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ યાદીમાં ઉજ્જ્વલ નિકમના નામને સામેલ કરવામાં આવ્યું હતું. 26-11ના આતંકવાદી હુમલાનો કેસ ચાલી રહ્યો હતો એ દરમિયાન ઉજ્જ્વલ નિકમ સરકારી વકીલ હતા અને કસાબને ફાંસી આપવામાં આવી એ માટે તેમણે ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી હતી.

હાઇ પ્રોફાઇલ કેસમાં સરકારનો પક્ષ અદાલતમાં માંડનારા ઉજ્જ્વલ નિકમ હવે જનતાની અદાલત એટલે કે ચૂંટણીમાં હાજર થશે અને તેમના ભાવિનો ફેંસલો મુંબઈની જનતા કરશે. નિકમનો સામનો ચૂંટણીમાં કૉંગ્રેસના મુંબઈ અધ્યક્ષ વર્ષા ગાયકવાડ સામે થશે.

આપણ વાંચો: કૉંગ્રેસ તરફથી ઉત્તર મધ્ય મુંબઈ બેઠક પર વર્ષા ગાયકવાડ ઉમેદવારી

દેશભક્તિનું ફેક્ટર કામ લાગશે

આ લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા રામ મંદિર, ઉરી સર્જિકલ સ્ટ્રાઇક્સ, બાલાકોટ સ્ટ્રાઇક્સ જેવા મુદ્દાઓને લઇ પ્રચાર કરી રહી છે અને દેશભક્તિનું એક મોટું પરિબળ ભાજપની તરફેણમાં જણાય છે. એવા સમયે દેશની રાજધાની મુંબઈ પર હુમલો કરનારા આતંકવાદીને ફાંસી અપાવનારા ઉજ્જ્વલ નિકમને ઉમેદવાર બનાવવાનો ફાયદો ભાજપને ચોક્કસ થશે, તેવું રાજકીય વિશ્ર્લેષકોનું માનવું છે.

પૂનમ મહાજનનો જાદુ ઓસરી ગયો?

ભાજપના દિગ્ગજ નેતા સ્વર્ગીય પ્રમોદ મહાજનના પુત્રી પૂનમ મહાજન હાલ ઉત્તર-મધ્ય મુંબઈ બેઠક પરથી ભાજપના સાંસદ છે. જોકે, એવું કહેવાય છે કે ભાજપ દ્વારા કરવામાં આવેલા અંતર્ગત સર્વેક્ષણમાં પૂનમ મહાજન આ વખતે ફરી સાંસદ બને તેવી શક્યતા ઓછી જણાઇ હતી. જેના કારણે તેમને ફરી ટિકિટ આપવાનું માંડી વાળી ભાજપે બહુચર્ચિત સરકારી વકીલ ઉજ્જ્વલ નિકમને ઉમેદવારી સોંપી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પૂનમ 2014 અને 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ તરફથી આ બેઠક પરથી ચૂંટાઇને આવ્યા હતા.

પૂનમ મહાજનના પિતાનો કેસ પણ સંભાળ્યો

મુંબઈ આતંકવાદી હુમલા ઉપરાંત ઉજ્જ્વલ નિકમે 1993 મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસ, ગુલશન કુમાર મર્ડર, પ્રમોદ મહાજન મર્ડર, 2013 મુંબઇ ગેન્ગ રેપ કેસ જેવા હાઇ પ્રોફાઇલ કેસ પણ સંભાળી ચૂક્યા છે. 2016માં ભારત સરકાર દ્વારા ઉજ્જ્વલ નિકમને તેમની સેવા બદલ પદ્મશ્રીનો ખિતાબ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સંગીત સેરેમની બાદ પાર્ટીમાં Radhika Merchantએ પહેર્યો એવો આઉટફિટ કે લોકોએ… જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને…