આમચી મુંબઈમહારાષ્ટ્ર

બેલાપુરમાં ચાકુથી હુમલો કરી યુવાનને ચાલતી ટ્રેનમાંથી નીચે ફેંક્યો: ચાર પ્રવાસી વિરુદ્ધ ગુનો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
ટ્રેનના ડબ્બામાં ચઢવાનો ઇનકાર કર્યા પછી ચાર શખસે ચાકુથી હુમલો કરી યુવાનને ચાલતી ટ્રેનમાંથી નીચે ફેંકી દીધો હોવાની ઘટના નવી મુંબઈના બેલાપુર ખાતે બની હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાને એક હાથ ગુમાવવાનો વારો આવ્યો હોઈ પોલીસે ચાર જણ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વાશી રેલવે પોલીસના જણાવ્યા મુજબ ઘટના શુક્રવારની સાંજે છથી સાડાછ વાગ્યા દરમિયાન બેલાપુર રેલવે સ્ટેશન નજીક બની હતી. નવી મુંબઈના ઉલવે ખાતેની લોન્ડ્રીમાં કામ કરતા અને ત્યાં જ રહેતા રાજેન્દ્રકુમાર લાલજી દીવાકર (32)ને સારવાર માટે મુંબઈની સાયન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર રજા હોવાથી રાજેન્દ્ર પનવેલમાં રહેતા સગાને મળવા ગયો હતો. જોકે સગા સાથે મુલાકાત ન થતાં તે ફરી ઉલવે આવવા નીકળ્યો હતો. પનવેલથી ટ્રેનમાં બેસી સાંજે છ વાગ્યે તે બેલાપુર આવ્યો હતો. તે સમયે બેલાપુરથી ઉલવે જવા માટે ટ્રેન ન હોવાથી તેણે નેરુળ જઈને ત્યાંથી ટ્રેન પકડવાનું નક્કી કર્યું હતું.

આપણ વાંચો: Good News: બુલેટ ટ્રેનના ડેપોમાં સોલાર એનર્જીનો ઉપયોગ કરાશે

નેરુળ જતી ટ્રેનના જનરલ ડબ્બામાં રાજેન્દ્ર ચઢવા ગયો ત્યારે ફૂટબોર્ડ પર ઊભેલા ચાર પ્રવાસીએ તેને રોક્યો હતો. એ ડબ્બામાં ન ચઢવાની ચેતવણી ચારેય જણે આપી હતી. જોકે ટ્રેન ચાલુ થઈ જતાં રાજેન્દ્ર જબરદસ્તી ડબ્બામાં પ્રવેશ્યો હતો. આ વાતથી રોષે ભરાયેલા ચારેય જણે તેની મારપીટ કરી હતી. એક પ્રવાસીએ ચાકુથી રાજેન્દ્રના ગાલ અને પીઠ પર ઘા કર્યા હતા. પછી ‘આજ ઈસકો જિંદા રખને કા નહીં’ કહીને ચારેય જણે તેને ટ્રેનમાંથી નીચે ફેંકી દીધો હતો.

પાટા પર પટકાયેલા રાજેન્દ્ર પર રેલવેના કર્મચારીની નજર પડતાં પોલીસને જાણ કરાઈ હતી. પહેલાં વાશીની મનપા હૉસ્પિટલ અને પછી મુંબઈની સાયન હૉસ્પિટલના ઈ વૉર્ડમાં તેને સારવાર માટે દાખલ કરાયો હતો. રાજેન્દ્રએ જમણો હાથ ગુમાવવાનો વારો આવ્યો હોવાનું કહેવાય છે. પ્રાથમિક સારવાર પછી પોલીસે તેનું નિવેદન નોંધી ગુનો દાખલ કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button