માતા-પિતાની મારપીટ અને દારૂ માટે ચોરી કરનારા ભાઈની હત્યા કરી મૃતદેહ ડૅમમાં ફેંક્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પાલઘર જિલ્લાના વિક્રમગડ તાલુકામાં માતા-પિતાની મારપીટ અને દારૂ માટે નાણાંની ચોરી કરનારા નાના ભાઈની ખરાબ આદતોથી કંટાળી મોટા ભાઈએ તેની કથિત હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. હત્યા પછી મૃતદેહને મોટો પથ્થર બાંધી ડૅમના પાણીમાં ફેંકી દેનારો આરોપી તેની રિક્ષાને કારણે જ પોલીસને હાથે ઝડપાઈ ગયો હતો.
લોકલ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડેલા આરોપીની ઓળખ આકાશ વસંત લોહાર (28) તરીકે થઈ હતી. આ પ્રકરણે વિક્રમગડ પોલીસે હત્યાનો ગુનો નોંધી આકાશની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ વિક્રમગડ તાલુકાના સજન ગામને અડીને આવેલા ડૅમમાંથી 5 સપ્ટેમ્બરે શિવમ વસંત લોહાર (19)નો મૃતદેહ અર્ધનગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો. મૃતદેહની ઓળખ થઈ શકે એવી એકેય વસ્તુ તેની પાસેથી મળી નહોતી. વળી, પાણીમાં મૃતદેહ ફુલાઈ ગયો હોવાથી તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ હતું.
આ પ્રકરણે વિક્રમગડ પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી હતી, જેની સમાંતર તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પણ કરી રહી હતી.
આપણ વાંચો: પત્નીના પ્રેમીની ગળું ચીરી હત્યા: પતિ સહિત બે કલ્યાણમાં પકડાયા
તપાસ દરમિયાન પોલીસે સજન ગામથી ડૅમ તરફ જતા માર્ગ પર લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. ફૂટેજમાં 2 સપ્ટેમ્બરની મધરાતે એક રિક્ષા ડૅમ તરફ જતી અને એકાદ કલાકમાં રિક્ષા પાછી ફરતી નજરે પડી હતી. પોલીસને રિક્ષા શંકાસ્પદ લાગતાં તેની શોધ ચલાવાઈ હતી. રિક્ષા વસઈ નજીકના પેલ્હાર ખાતે રહેતા આકાશ લોહારની હોવાનું તપાસમાં જણાયું હતું. આકાશનો પરિવાર વિક્રમગડ તાલુકાના વારલીપાડામાં રહેતો હતો.
પ્રાથમિક તપાસમાં આકાશે મૃતદેહને ઓળખવાનો ઇનકાર કરી ઉડાઉ જવાબ આપ્યા હતા. જોકે પોલીસે કરેલી આકરી પૂછપરછમાં તેણે ગુનો કબૂલ્યો હતો. પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આકાશના નાના ભાઈ શિવમને દારૂ પીવાનું વ્યસન હતું.
દારૂના નશામાં ઘરના સભ્યોને ત્રાસ આપી વારંવાર માતા-પિતાની મારપીટ કરતો હતો. બેરોજગાર શિવમ દારૂ પીવા માટે રૂપિયાની ચોરી કરતો હતો. તેની આ આદતોથી પરિવારજનોની બદનામી થતી હોવાથી કંટાળીને આકાશે શિવમની હત્યા કરી હતી. આકાશે ડૅમ પાસે લઈ જઈ શિવમને ચિક્કાર દારૂ પીવડાવ્યો હતો. નશામાં સૂઈ ગયેલા શિવમની નાયલોનની રસીથી ગળું દબાવી હત્યા કર્યા બાદ મોટો પથ્થર બાંધીને મૃતદેહને ડૅમના પાણીમાં ધકેલી દીધો હતો.