આમચી મુંબઈ

બાળકીએ રડારોળ કરી મૂકતાં અપહરણની યોજના પડી ભાંગી

થાણે: સેન્ટ્રલ રેલવેના વિઠ્ઠલવાડી સ્ટેશનેથી ત્રણ ભાઈ-બહેનોના અપહરણનો પ્રયાસ થયો હતો, પરંતુ બાળકીએ રડારોળ કરી મૂકતાં સતર્ક પ્રવાસીઓએ અપહરણકારને પકડી ધિબેડી નાખ્યો હતો અને પોલીસના તાબામાં સોંપ્યો હતો.

ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ સૂરજકુમાર ગુપ્તા (33) તરીકે થઈ હતી. ગુપ્તાએ 29 નવેમ્બરે રેલવે પ્લૅટફોર્મ પર ત્રણ બાળકોને એકલા જોઈ તેમને ચૉકલેટ્સ બતાવી લલચાવવાનો પ્રયાસ કર્યો હતો, એવું જીઆરપીના અધિકારીએ જણાવ્યું હતું.

આપણ વાચો: આ ફૂટબોલ સ્ટારની ગર્લફ્રેન્ડ અને બાળકના અપહરણનો પ્રયાસ

અધિકારીના જણાવ્યા મુજબ બાળકોની માતા ઘરકામ કરે છે. સાતથી દસ વર્ષની બે દીકરી અને એક દીકરાને રેલવે સ્ટેશન પર છોડી માતા નજીકમાં જ આવેલા શાંતિનગર વિસ્તારમાં પતિને ભોજનનું ટિફિન આપવા ગઈ હતી.

ત્રણેય બાળકને સ્ટેશન પર એકલા ઊભેલા જોઈ ગુપ્તા તેમની નજીક આવ્યો હતો. બાદમાં ચૉકલેટની લાલચે બાળકોને પોતાની સાથે ચાલવા તે મનાવી રહ્યો હતો. જોકે ગુપ્તાને જોઈ ડરી ગયેલી એક બાળકી રડવા લાગી હતી.

આપણ વાચો: વસઈમાં બાળકોના ‘અપહરણ’નો પ્રયાસ:ગામવાસીઓએ ચારેયને ધીબેડી નાખ્યા…

બાળકી જોર જોરથી રડવા લાગતાં સ્ટેશન પરના પ્રવાસીઓનું ધ્યાન તેની તરફ દોરાયું હતું. પ્રવાસીઓએ તાત્કાલિક મધ્યસ્થી કરી હતી અને ગુપ્તાની પૂછપરછ કરવા લાગ્યા હતા. બાળકો તેની સાથે જ આવ્યા હોવાનું ગુપ્તા વારંવાર બોલી રહ્યો હતો.

પ્રવાસીઓએ બાળકોને પૂછવાનો પ્રયાસ કરતાં ગુપ્તા તેમને સાથે લઈ જવાનો પ્રયત્ન કરવા લાગ્યો હતો. પરિણામે પ્રવાસીઓ તેનું જુઠ્ઠાણું સમજી ગયા હતા. રોષે ભરાયેલા પ્રવાસીઓએ ગુપ્તાને ફટકારી વિઠ્ઠલવાડી રેલવે પોલીસને સોંપ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button