ખેદ હૈઃ BMCની ડિઝાસ્ટર મેનેજમેન્ટની 58માંથી 46 હોટલાઈન બંધ

મુંબઈ: મુંબઈમાં કોઇ પણ કટોકટીભરી સ્થિતિમાં તાત્કાલિક પહોંચી જતી પાલિકાના મહત્ત્વના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની 58માંથી 46 હોટલાઈન નંબર બંધ હોવાની આંચકાદાયક માહિતી જાણવા મળી છે. આને કારણે કોઇ પણ કટોકટીની સ્થિતિ ઊભી થાય તો સંપર્ક વ્યવસ્થા જ ઠપ થવાનો ભય ઊભો થયો છે.
આને કારણે 1916 નંબર પર હોટલાઈનની ફોન સેવા તાત્કાલિક શરૂ કરવી, એ માટે પાલિકા પ્રશાસને આ સેવા આપનાર એમટીએનએલને પત્ર લખ્યો છે.
પાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ પર સંપૂર્ણ મુંબઈમાં ડિઝાસ્ટર કોન્ટેક્ટ, હેલ્પ લાઈન સમન્વય વ્યવસ્થાની જવાબદારી રહેતી હોય છે. આ માટે ડિઝાસ્ટર વિભાગે જાહેર કરેલા 1916 ટોલ ફ્રી નંબર પર નાગરિકો 24 કલાક સંપર્ક સાધી શકે એવી વ્યવસ્થા રાખવામાં આવી છે.
આપણ વાંચો: BMCએ બોરીવલીના પાર્કમાં ગુજરાતી ભાષાની નેમપ્લેટ બદલ પોયસર જીમખાનાને નોટિસ ફટકારી
આને કારણે આગ, અતિવૃષ્ટિ, બિલ્ડિંગ હોનારત, જમીન ખસી જવી કે પછી પૂર જેવી કટોકટીવાળી પરિસ્થિતિમાં કાર્યવાહી કે બચાવકાર્ય કરવા માટે સહાય મળતી હોય છે. આ માટે ડિઝાસ્ટર વિભાગમાં અંદાજે 58 હોટલાઈનની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં 50થી 60 કર્મચારીઓ દિવસરાત કામ કરતા હોય છે. જોકે હાલની સ્થિતિમાં 46 હોટલાઈન બંધ હોવાને કારણે ઘણી અગવડ થઇ રહી છે.
મુંબઈમાં છેલ્લાં અનેક વર્ષોથી ઓછા સમયમાં જ વિક્રમી વરસાદ નોંધાયો હોવાની ઘટના બની છે અને આને કારણે જનજીવન ઠપ થઇ જતું હોવાનું પણ જોવા મળ્યું છે. આવા સમયે 1916 નંબર ઘણો ઉપયોગી નીવડતો હોય છે. કોરાના કાળમાં પણ આ જ નંબર પર બેડ, એમ્બ્યુલન્સ, ભોજન જેવી સુવિધા મળી રહેતી હતી. આને કારણે આ નંબરની તમામ હોટલાઈન શરૂ કરવાનું અનિવાર્ય બની ગયું છે.
ડિઝાસ્ટર વિભાગના 60 કર્મચારી પૈકી અંદાજે 50 કર્મચારીઓને ચૂંટણીની ડ્યૂટી માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે પાલિકા પ્રશાસને નક્કર ભૂમિકા હાથ ધરી હતી અને આટલા બધા કર્મચારી ચૂંટણીની ડ્યૂટી માટે મોકલવામાં આવશે તો ડિઝાસ્ટર વિભાગ પડી ભાંગશે એવો ભય વ્યક્ત કરતાં નસીબજોગ ચૂંટણીની ડ્યૂટી તો ટળી ગઇ છે.