કલ્યાણ શ્રીકાંત શિંદેનું: સત્તાવાર રીતે ઉમેદવારી અપાઇ
મુખ્ય પ્રધાનના પુત્રએ ટિકિટ મળતા જ વપિક્ષ પર ટીકાસ્ત્રો છોડ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: થાણે અને કલ્યાણ એ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો ગઢ મનાય છે અને કલ્યાણથી હાલ તેમના જ પુત્ર શ્રીકાંત શિંદે સાંસદ છે. શ્રીકાંત શિંદેને કલ્યાણ બેઠક પરથી ટિકિટ મળશે કે નહીં તેનો ક્યાસ લગાવવામાં આવી રહ્યો હતો ત્યારે હવે સત્તાવાર રીતે શ્રીકાંત શિંદેને ઉમેદવારી આપવાની જાહેરાત કરવામાં આવી છે. શ્રીકાંત શિંદેનો પ્રભાવ આ ક્ષેત્ર ઉપર જબરજસ્ત હોવાના કારણે તેમને જ આ બેઠક ફાળવવામાં આવશે તે લગભગ નક્કી જ માનવામાં આવતું હતું.
ઉમેદવારીની જાહેરાત થતા જ શ્રીકાંત શિંદેએ વિપક્ષ પર નિશાન તાકવાનું શરૂ કરી દીધું છે. તેમણે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના નેતાઓને નિશાને લેતા કહ્યું હતું કે કલ્યાણ બેઠક પરથી મારી સામે લડવાની વાતો કરનારા આદિત્ય ઠાકરે, ઉદ્ધવ ઠાકરે, વરુણ સરદેસાઇ લડવાની વાતો કરતા હતા તે બધા હવે ક્યાં ગાયબ છે? અહીં થયેલા વિકાસને જોઇને અહીંથી લડવાની તેમની હિંમત નથી થઇ રહી તેવું લાગે છે. એટલે તેઓ કાર્યકર્તાઓને આગળ કરીને ‘તમે લડો અમે કપડા સંભાળીએ’ એવું વલણ અપનાવ્યું છે.
આપણ વાંચો: BJPમાં નારાજગીઃ શ્રીકાંત શિંદેને ટિકિટ મળતા કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો
ટિકિટ મળતા જ તેમણે અંબરનાથના હેરંબા મંદિર પરિસરમાં પ્રચારનું નાળિયર ફોડ્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણા સમયથી કલ્યાણ-ડોેંબિવલી બેઠક પરથી મહાયુતિમાં કોને ઉમેદવારી આપવામાં આવશે તેના ઉપર બધાની નજર હતી. જોકે, શનિવારે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પોતે અહીંથી શ્રીકાંત શિંદેની ઉમેદવારી જાહેર કરી હતી. ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના દ્વારા અહીંથી મનસેમાંથી આયાતી વૈશાલી દરેકરને ઉમેદવારી આપવામાં આવી છે. શ્રીકાંત શિંદે સામે વૈશાલી દરેકર ખૂબ જ નબળા ઉમેદવાર હોવાનું પણ રાજકીય વિશ્ર્લેશકોનું માનવું છે.
પુત્ર કરતાં કાર્યકર્તાઓને આગળ રાખતા પિતા: શ્રીકાંત શિંદે
મહાયુતિમાં બધા પક્ષો દ્વારા જે નિર્ણય લેવામાં આવે તે માન્ય કરીને પુત્ર માટે આ બેઠક ન મળે તે માટે પણ એકનાથ શિંદે તૈયાર હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. જોકે મહાયુતિએ આ બેઠક માટે ઉમેદવાર તરીકે શ્રીકાંત શિંદે ઉપર જ પસંદગીનો કળશ ઢોળ્યો છે. પોતાના પિતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિશે વાત કરતા શ્રીકાંત શિંદેએ કહ્યું હતું કે મારા પિતા એવા છે જે પક્ષને અને પક્ષના કાર્યકર્તાઓને પોતાના પુત્ર કરતાં ઉપર રાખે છે અને તેમને પ્રાધાન્ય આપે છે.
શ્રીકાંત શિંદેને હેટટ્રીકનો ચાન્સ
આ બેઠક ઉપરથી શ્રીકાંત શિંદે બે વખત સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા છે અને હવે ત્રીજી વખત પણ તેમને જ ઉમેદવારી સોંપવામાં આવી છે. જો આ વખતે તે કલ્યાણ-ડોંબિવલી બેઠક ઉપરથઈ જીતી આવે તો આ તેમની જીતની હેટટ્રીક ગણાશે. શ્રીકાંત શિંદે સામે નબળો ઉમેદવાર હોવાના કારણે તે આ વખતે પણ જીતશે તે લગભગ નક્કી હોવાનું રાજકીય વિશ્ર્લેશકોનું માનવું છે.
શ્રીકાંત શિંદે વિરુદ્ધ ભાજપનો કોઇ વિરોધ નથી: ફડણવીસ
ફડણવીસે નાગપુર ખાતેથી શ્રીકાંત શિંદેની ઉમેદવારી જાહેર કરી ત્યારે ભાજપ દ્વારા તેમની ઉમેદવારીનો વિરોધ કરવામાં આવતો હોવાની વાત ફગાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે ભાજપે શ્રીકાંત શિંદેની ઉમેદવારીનો જરાય વિરોધ કર્યો નથી. ભાજપ તેમની પડખે ઊભેલી છે અને તેમની જીત માટે તમામ પ્રયત્નો ભાજપ દ્વારા કરવામાં આવશે.