કલ્યાણ જેલમાં આરોપીનો જેલ કર્મચારી પર પથ્થરથી હુમલો

થાણે: મુલાકાતી સાથે મળવા અંગે થયેલી દલીલ બાદ 30 વર્ષના આરોપીએ ગાળાગાળી કરી જેલ કર્મચારી પર પથ્થરથી હુમલો કર્યો હોવાની ઘટના કલ્યાણ ડિસ્ટ્રિક્ટ જેલમાં બની હતી.
અધિકારીના જણાવ્યા મુજબ કલ્યાણ જેલમાં મંગળવારે બનેલી આ ઘટના મામલે પોલીસે હુમલો કરનારા આરોપી હિતેન્દ્ર ઉર્ફે હિતેન ગુલિવર ઠાકુર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
આપણ વાચો: કોર્ટ પરિસરમાં કેદીઓના હુમલામાં પોલીસ કર્મચારી ઘાયલ
આ પ્રકરણે 47 વર્ષના જેલ કર્મચારીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી જેલમાં ડ્યૂટી પર હતો ત્યારે સાંજે 4.30 વાગ્યે ઠાકુર તેની પાસે આવ્યો હતો. ઠાકુરે અન્ય આરોપીને જેલમાં મુલાકાતીને અંગત રીતે મળવા દેવાની ફરિયાદીને વિનંતી કરી હતી.
જોકે ફરિયાદીએ ઠાકુરની વિનંતી કાને ન ધરતાં તે ઉશ્કેરાયો હતો. ફરિયાદી સાથે દલીલો કર્યા બાદ ઠાકુરે ગાળાગાળી કરવા માંડી હતી અને ધમકી આપી હતી. બાદમાં તેણે સિમેન્ટનો પેવર બ્લૉક અથવા પથ્થરો ફરિયાદી પર ફેંક્યા હતા.
હુમલામાં ફરિયાદીને ઇજા થઈ હતી. આરોપીએ ગાળાગાળી કરવા સાથે ધમકી સુધ્ધાં આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. આ પ્રકરણે ખડકપાડા પોલીસે બુધવારે એફઆઈઆર નોંધ્યો હતો. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)



