
થાણે: કલ્યાણમાં ખાનગી હૉસ્પિટલની રિસેપ્શનિસ્ટને વાળ ખેંચી બેરહેમીથી ફટકારનારા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. ઘટનાનો વીડિયો વાયરલ થતાં દાઢી અને વાળ કાપી પોતાનો દેખાવ બદલનારા આરોપીને લોકોએ ઓળખી કાઢ્યો હતો. નાગરિકોએ જ તેને પકડી પાડી પોલીસને સોંપ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના સોમવારની સાંજે કલ્યાણ પૂર્વમાં આવેલા શ્રી બાળ ચિકિત્સાલયમાં બની હતી. રિસેપ્શન કાઉન્ટર પર હાજર યુવતીની મારપીટ કરી ફરાર થઈ ગયેલા આરોપી ગોકુળ ઝાની ધરપકડ કરવામાં આવી હતી. બુધવારે તેને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને બે દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
યુવતીની મારપીટનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખાસ્સો વાયરલ થયો હતો. વીડિયોમાં ઝા પચીસ વર્ષની યુવતીને લાત મારતો નજરે પડે છે. બાદમાં ઝા વાળ ખેંચીને જમીન પર પાડી યુવતીને ઘસડી જતો હોવાનું વીડિયોમાં દેખાય છે.પોલીસ ફરિયાદ અનુસાર ઝા એક મહિલા સાથે હૉસ્પિટલમાં આવ્યો હતો અને મહિલા પાસે બાળક હતું. ડૉક્ટર અન્ય દર્દીને તપાસમાં વ્યસ્ત હોવાથી દર્દીઓની લાઈન લાગી હતી. મહિલા લાઈન છોડીને ડૉક્ટરને મળવા આગળ વધી રહી હતી તે સમયે રિસેપ્શનિસ્ટે મહિલા અને ઝાને રોક્યાં હતાં. આ મુદ્દે ઝા યુવતી પર રોષે ભરાયો હતો.
રિસેપ્શનિસ્ટની ફરિયાદને આધારે માનપાડા પોલીસે ઝા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ઘટના બાદ ઝા ફરાર થઈ જતાં પોલીસે રિસેપ્શનિસ્ટની મારપીટ વખતે ઘટનાસ્થળે હાજર ઝાના ભાઈ રણજિત અને તેનાં સગાંવહાલાંને પૂછપરછ માટે તાબામાં લીધાં હતાં. પોલીસના જણાવ્યા મુજબ ધરપકડથી બચવા ઝાએ પોતાનો દેખાવ બદલવાનો પ્રયાસ કર્યો હતો. તેણે દાઢી કપાવી નાખી હતી અને વાળ ઝીણા કરાવી દીધા હતા. જોકે સ્થાનિક રહેવાસીઓએ જ તેને ઓળખી કાઢી પકડી પાડ્યો હતો અને પોલીસના તાબામાં સોંપ્યો હતો. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)