કલવાની સગીરાની અપહરણ બાદ હત્યા: રિક્ષા ડ્રાઈવરની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: કલવામાં રહેતી સગીરાનું થાણે સ્ટેશનેથી કથિત અપહરણ કર્યા બાદ ઓઢણીથી ગળું દબાવી તેની હત્યા કરવાના કેસમાં પોલીસે રિક્ષા ડ્રાઈવરની ધરપકડ કરી હતી.
થાણે ક્રાઈમ બ્રાન્ચના યુનિટ-પાંચના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીની ઓળખ સમાધાન અર્જુન સૂર્યવંશી (40) તરીકે થઈ હતી. થાણેના લોકમાન્ય નગર વિસ્તારમાં રહેતા આરોપીને કોર્ટે 17 જુલાઈ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
પોલીસના જણાવ્યા મુજબ થાણેના કાસારવડવલી વિસ્તારમાંથી પાંચમી જુલાઈની બપોરે બે વાગ્યાની આસપાસ સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો. ક્ધસ્ટ્રક્શન સાઈટ નજીકના રસ્તા પરથી મળેલા મૃતદેહના ગળા ફરતે દુપટ્ટો વીંટેલો હતો.
આપણ વાંચો: ડોંબિવલીની સગીરાનું અપહરણ કરી ટ્રેનમાં ગુજાર્યો બળાત્કાર…
પટ્ટાની મદદથી ગળું દબાવી તેની હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણે કાસારવડવલી પોલીસે ગુનો નોંધ્યો હતો, જેની સમાંતર તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી હતી.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે સગીરા ગુમ થઈ હોવાની ફરિયાદ કલવા સ્ટેશનમાં કરાઈ હતી. ચોથી જુલાઈએ તે ઘરેથી નીકળ્યા પછી ગુમ હતી. પોલીસે સગીરાના ઘર નજીકથી કાસારવડવલી સુધીના 100 જેટલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. ફૂટેજને આધારે પોલીસ આરોપી સુધી પહોંચી હતી.
સગીરા થાણે રેલવે સ્ટેશનેથી આરોપીની રિક્ષામાં બેઠી હતી. આરોપીએ રિક્ષામાં વિવિધ વિસ્તારમાં ફેરવ્યા પછી સગીરાની હત્યા કરી હોવાનું તપાસમાં જણાયું હતું. ફૂટેજમાં દેખાયેલી રિક્ષાના નંબર પરથી પોલીસે આરોપીને લોકમાન્ય નગર ખાતેથી તાબામાં લીધો હતો. આરોપી વારંવાર નિવેદન બદલતો હોવાથી સગીરાની હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, એમ પોલીસનું કહેવું છે.