કાલબાદેવીના ઝવેરી સાથે 1.78 કરોડની ઠગાઈ: સિકંદરાબાદના વેપારીની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના કાલબાદેવી વિસ્તારમાં ગૉલ્ડ અને ડાયમંડના દાગીનાનો વ્યવસાય ધરાવતા ઝવેરી સાથે 1.78 કરોડ રૂપિયાની કથિત ઠગાઈ કરવાના કેસમાં પોલીસે સિકંદરાબાદના વેપારીની ધરપકડ કરી હતી.
એલ. ટી. માર્ગ પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ શિવ સિંહ ઘનશ્યામ સિંહ ટાંક (49) તરીકે થઈ હતી. ગુનો નોંધાયો ત્યારથી પોલીસ તેની શોધ ચલાવી રહી હતી. રાજસ્થાનના ઉદયપુરથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ કાલબાદેવીના 40 વર્ષના ઝવેરીની ફરિયાદને આધારે ટાંક વિરુદ્ધ જાન્યુઆરી, 2025ના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદમાં જણાવાયું હતું કે 2023માં મુંબઈમાં યોજાયેલા ગૉલ્ડ એક્ઝિબિશનમાં એક વેપારી મિત્ર મારફત ફરિયાદીની ઓળખ ટાંક સાથે થઈ હતી. તે સમયે ટાંક સિકંદરાબાદનો મોટો વેપારી હોવાનું ફરિયાદીને કહેવામાં આવ્યું હતું.
ઓળખાણ થયા પછી આરોપીએ સૌપ્રથમ એપ્રિલ, 2023માં ફરિયાદી પાસેથી દાગીના લીધા હતા, જેની રકમ તેણે સમયસર ચૂકવી દીધી હતી. બાદમાં બે-ત્રણ મહિને આરોપી ઑર્ડર આપતો તે મુજબ ફરિયાદી દાગીના પૂરા પાડતો અને સમયાંતરે તેનું પેમેન્ટ પણ આપતો હતો.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે ઑક્ટોબર, 2024માં આરોપી ફરિયાદીની ઑફિસે આવ્યો હતો અને અંદાજે 2.15 કરોડ રૂપિયાના દાગીના તેણે પસંદ કર્યા હતા. પસંદગી અનુસારના દાગીના ફરિયાદીએ આરોપીને આપ્યા હતા, જેની સામે આરોપીએ માત્ર 38.50 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. બાકીનાં નાણાં પછી ચૂકવવાની ખાતરી આપી હતી. વળી, એની સામે સિક્યોરિટી ચેક પણ આપ્યો હતો.
જોકે ખાસ્સા દિવસો વીત્યા છતાં આરોપીએ નાણાંની ચુકવણી કરી નહોતી. તેનો મોબાઈલ ફોન સ્વિચ ઑફ્ફ આવતાં ફરિયાદીએ સિકંદરાબાદના એક વેપારી પાસે તપાસ કરાવી હતી. આરોપીની સિકંદરાબાદની ઑફિસને તાળું હોવાનું જાણવા મળતાં ફરિયાદીને છેતરપિંડીનો અણસાર આવ્યો હતો અને તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ આરોપીની શોધ ચલાવી રહી હતી ત્યારે તે રાજસ્થાનના ઉદયપુરમાં હોવાની માહિતી મળી હતી. ઉદયપુર પહોંચેલી પોલીસે સ્થાનિક સૂરજપોલ પોલીસની મદદથી શુક્રવારે આરોપીને એક રેસ્ટોરાંમાંથી પકડી પાડ્યો હતો. ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મુંબઈ લવાયેલા આરોપીને કોર્ટે 19 ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.



