
મુંબઈઃ છત્રપતિ શિવાજી મહારાજ અને તેમના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજ વિશે વાંધાજનક ટિપ્પણી કરવા માટે મહારાષ્ટ્ર પોલીસે સોમવારે તેલંગણાથી નાગપુરના પત્રકાર પ્રશાંત કોરાટકરની ધરપકડ કરી હતી. તેલંગણામાં તેની કસ્ટડી લીધા બાદ તેને મહારાષ્ટ્રમાં લાવવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
છત્રપતિ શિવાજી અને સંભાજી મહારાજ વિશે વાંધાજનક ટિપ્પણીઓ કરવા બદલ પોતાની સામે કેસ નોંધવામાં આવ્યો હોવાની દલીલ કોરાટકરે હાઇ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરતી વખતે કરી હતી. તેમ છતાં કોર્ટે તેને વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.
આપણ વાંચો: RSS પર વાંધાજનક ટિપ્પણીઃ ફરિયાદીએ કેસ પાછો ખેંચતાં જાવેદ અખ્તર નિર્દોષ
ઓડિયો ક્લિપના આધારે નોંધવામાં આવ્યો કેસ
પત્રકાર કોરાટકરે કોલ્હાપુર ખાતેના ઇતિહાસકાર ઇન્દ્રજિત સાવંતની ધમકી આપી હતી તથા કોમી અખંડતાને નુકસાન પહોંચાડવાના ઇરાદા સાથે ઉશ્કેરણીભરેલા ટિપ્પણીઓ કરવા માટે તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. કોરાટકર અને સાવંત વચ્ચે સંવાદ થયો હતો, જેમાં પત્રકારે વાંધાજનક નિવેદનો કર્યા હતા. તેની ઓડિયો ક્લિપના આધારે તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
ક્લિપ ખોટી અને ફોન સાથે ચેડા કરવાનો દાવો
પત્રકાર કોરાટકરે આ તમામ આક્ષેપોને નકારી કાઢીને કહ્યું હતું કે તે ઓડિયો ક્લિપ ખોટી છે અને તેના ફોન સાથે ચેડાં કરવામાં આવ્યા છે. તેણે એમ પણ જણાવ્યું હતું કે તેણે આરોતરા જામીનની અરજી કરી હોવાથી તે જાહેરમાં લોકોની માફી પણ માગે છે.
આપણ વાંચો: મહંમદ પયગંબર વિશે વાંધાજનક ટિપ્પણી: વિવાદાસ્પદ ધર્મોપદેશક નરસિંહાનંદ વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ
કોમી એકતાને નુકસાન પહોંચાડવાનો આશય
કોરાટકર સાથે થયેલી વાતચીતનો વીડિયો સાવંતે સોશિયલ મીડિયા પર નાખ્યો હતો, પરંતુ પત્રકારે આક્ષેપ કર્યો હતો કે એફઆઇઆર નોંધાવવા પહેલા જ વીડિયો સોશિયલ મીડિયા પર નાખીને સાવંત કોમી એકતાને નુકસાન પહોંચાડવા માગતો હતો.
દેવેન્દ્ર ફડણવીસે પણ આક્ષેપોને પણ ફગાવ્યા
કોરાટકર નાગપુરથી હોવાને કારણે તેને બચાવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપોને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે નકારી કાઢ્યા હતા. પોલીસ કાર્યવાહી કરી રહી છે અને તેની સામે પગલાં લેવાશે, એમ ફડણવીસે ત્યારે કહ્યું હતું.