શિવસેનાની ભૂતપૂર્વ નગરસેવિકાના પતિ પર હુમલો: ત્રણ સામે ગુનો…

મુંબઈ: પાલિકાની વૉર્ડ ઑફિસ દ્વારા હાથ ધરાયેલા કામને મુદ્દે થયેલા વિવાદને પગલે ત્રણ જણે શિવસેનાની ભૂતપૂર્વ નગરસેવિકાના પતિ પર હુમલો કર્યો હોવાની ઘટના જોગેશ્ર્વરીમાં બની હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હુમલામાં ભૂતપૂર્વ નગરસેવિકા નાઝિયા સોફીના પતિ અબ્દુલ જબ્બાર સોફી ગંભીર રીતે ઘવાયો હતો. સોમવારની સાંજે જોગેશ્ર્વરી પૂર્વમાં આવેલા ઝૂલા મેદાન પરિસરમાં આ ઘટના બની હતી.
પાલિકાના અમુક કર્મચારી તેમને સોંપેલી કામગીરી માટે આવ્યા ત્યારે ત્રણ જણે વિવાદ કર્યો હતો. સ્થાનિક રહેવાસી એવા ત્રણેય જણે અબ્દુલ સોફી સાથે ઉગ્ર બોલાચાલી કર્યા પછી માર માર્યો હતો.
હુમલામાં ઘવાયેલા સોફીને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ પ્રકરણે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ઘટનાની જાણ થતાં સોમવારની રાતે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સોફીને મળવા હૉસ્પિટલ પહોંચ્યા હતા. (પીટીઆઈ)
આ પણ વાંચો…એકનાથ શિંદેના X એકાઉન્ટ પરથી પાકિસ્તાનના ઝંડા વાળી પોસ્ટ! હેકર્સે કેમ કરી આવી હરકત?