જોગેશ્ર્વરીમાં બિઝનેસ સેન્ટરની ઈમારતમાં આગ: ગૂંગળામણને કારણે 17 જણ હૉસ્પિટલભેગા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઈલેક્ટ્રિક વાયરમાં લાગેલી આગ ઝપાટાભેર વધતાં જોગેશ્ર્વરીમાં આવેલા બિઝનેસ સેન્ટરની ઈમારતમાંના કર્મચારીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. બિલ્ડિંગના નવથી 13 માળ ચપેટમાં આવી ગયા પછી ચોથા માળના ડક એરિયા સુધી આગ ફેલાઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ગ્લાસ ફસાડ તોડીને સીડીની મદદથી 27 જણને ઉગારી લીધા હતા, જેમાંથી ગૂંગળામણને કારણે શ્ર્વાસ લેવામાં તકલીફ થતાં 17ને હૉસ્પિટલભેગા કરવા પડ્યા હતા.
ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે આગની ઘટના ગુરુવારની સવારે 10.50 વાગ્યે બની હતી. જોગેશ્ર્વરી પશ્ર્ચિમમાં એસ. વી. રોડ પર આવેલા જેએમએસ બિઝનેસ સેન્ટરના નવમા માળે અચાનક આગ ફાટી નીકળી હતી.
બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ અધિકારીઓ એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એ સિવાય મહાપાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના અધિકારીઓ અને વીજ વિતરણ કંપનીના અધિકારી ઘટનાસ્થળે દોડી ગયા હતા.
આપણ વાંચો: ચાર્જીંગવાળી વાનમાં લાગેલી આગ બે માળના મકાન સુધી પહોંચી, જીવ બચાવવા લોકોએ છલાંગ લગાવી…
ત્રણ માળ પોડિયમ પાર્કિંગ અને 13 માળની આ ઈમારતને ગ્લાસ ફસાડ હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી હોવાનું કહેવાય છે. નવમા માળથી 13 માળ સુધીની વિવિધ ઑફિસોમાં વાયરિંગ, ફર્નિચર, દરવાજા, બારી, કમ્પ્યુટર્સ સહિતના સામાનો સામાન આગમાં બળી ગયો હતો. બિલ્ડિંગના ડક એરિયામાં તો ચોથા માળ સુધી આગ ફેલાઈ હતી.
આગને કારણે બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ ગયો હતો, જેની સૌથી વધુ અસર 11માથી 13મા માળે થઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ વેન્ટિલેશન માટે ગ્લાસ ફસાડ તોડવું પડ્યું હતું.બિલ્ડિંગના દાદર અને હાઈડ્રોલિક પ્લૅટફોર્મ લેટરની મદદથી ઉપરના માળે ફસાયેલા 27 જણને બચાવી લેવાયા હતા, જેમાંથી 17 જણને ગૂંગળામણને કારણે નજીકી એચબીટી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા.
ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ નવ જણ ફૈઝલ કાઝી (42), શ્યામ સિંહ (58), મેહરાજ કુરેશી (19), ઈકબાર ધેનકર (61), નદીમ ભાટી (43), વસિમ ખાન (28), મૃદુલા સિંહ (57), સલીમ જાવેદ (48) અને અબુ ભાટી (60)ને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે બાકીના આઠ જણને પ્રાથમિક ઉપચાર પછી હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ફાયર બ્રિગેડના જવાનોએ 12થી વધુ ફાયર એન્જિન અને અન્ય સાધનોની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નહોતું. જોેકે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું માનવામાં આવે છે.