2021નો ચકચારી હત્યાકેસ:ગુનાના સ્થળે વાળના ગુચ્છા જાહ્ન્વી કુકરેજા પર ક્રૂર હુમલો સૂચવે છે: કોર્ટ…

મુંબઈ: ઘટનાસ્થળેથી મળી આવેલા વાળના ગુચ્છા ‘પુરાવા’ સાબિત થયા છે, જે દર્શાવે છે કે 2021માં ટીનેજર જાહ્ન્વી કુકરેજાની હત્યા પહેલા તેના પર ક્રૂર હુમલો કરવામાં આવ્યો હતો, એમ જાહ્ન્વીના મિત્ર શ્રી જોગધનકરને આ કેસમાં આજીવન કારાવાસની સજા સંભળાવતી વખતે કોર્ટે નોંધ્યું હતું. જોકે કોર્ટે જાહ્ન્વી કુકરેજાની બહેનપણી અને કેસની સહ-આરોપી દિયા પાડણકરને ‘ગુનામાં તેની સંડોવણી શંકાસ્પદ’ હોવાનું નોંધી નિર્દોષ જાહેર કરી હતી.
એડિશનલ સેશન્સ જજ સત્યનારાયણ નાવંદકરે ભારતીય દંડસંહિતાની સંબંધિત જોગવાઇઓ હેઠળ હત્યા માટે જોગધનકરને દોષી ઠેરવ્યો હતો.કોર્ટે નોંધ્યું હતું કે ઘટનાસ્થળે તેમ જ પહેલા અને બીજા માળે દાદરા પર મળેલા વાળના ગુચ્છા આરોપીઓ દ્વારા કરાયેલા ક્રૂર હુમલાનો સંકેત આપે છે. વાળના છૂટાછવાયા ગુચ્છા હિંસાના પુરાવા છે, જે દર્શાવે છે કે પડી જતાં પહેલા જાહ્ન્વી પર કેટલી ક્રૂરતાથી હમલો કરવામાં આવ્યો હતો.
ખાર પશ્ર્ચિમ સ્થિત 16મા રોડ પર આવેલી ભગતવી હાઇટ્સ ઇમારતમાં 31 ડિસેમ્બરની મોડી રાતે જાહ્ન્વી કુકરેજાની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ખાર પોલીસે જાહ્ન્વીના મિત્ર જોગધનકર અને પાડણકરની ધરપકડ કરી હતી.
સાંતાક્રુઝમાં રહેનારી 19 વર્ષની જાહ્નવી હ્યુમન સાઇકોલોજીની વિદ્યાર્થિની હતી.
31 ડિસેમ્બર, 2020ના રાતે અગિયાર વાગ્યાની આસપાસ જાહ્ન્વીના ઘરે જોગધનકર અને પાડણકર પહોંચ્યાં હતાં અને ત્યાંથી તેઓ જાહ્ન્વીને લઇને ખારમાં ઇમારતના ટેરેસ-ફ્લેટમાં થર્ટીફર્સ્ટની પાર્ટીમાં ગયાં હતાં. જોગધનકર અને પાડણકરને વાંધાજનક સ્થિતિમાં જોયા બાદ જાહ્ન્વીનો તેમની સાથે ઝઘડો થયો હતો. ઝઘડો ઉગ્ર બનતાં તેઓ જાહ્ન્વીને પાંચમા માળેથી સીડી પરથી ખેંચીની નીચે લઇ આવ્યા હતા. તેમણે જાહ્ન્વીની મારપીટ કરી હતી અને દાદરની રેલિંગ સાથે માથું ભટકાવાને કારણે તેના માથામાંથી લોહી વહેવા લાગ્યું હતું અને તેનું મૃત્યુ થયું હતું.



