સાંતાક્રુઝમાં જ્વેલર્સને પિસ્તોલની ધાક બતાવી દાગીનાની લૂંટ: ત્રણ પકડાયા
મુંબઈ: ઘરમાં ઘૂસી જ્વેલર્સને પિસ્તોલની ધાકે બાનમાં લીધા પછી અંદાજે 31 લાખ રૂપિયાના સોનાના દાગીના લૂંટી ભૂતપૂર્વ કર્મચારી સહિત ત્રણ જણ ફરાર થઈ ગયા હોવાની ઘટના સાંતાક્રુઝમાં બની હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બે આરોપીને પાલઘર જિલ્લામાંથી, જ્યારે એકને ગુજરાતના વલસાડ ખાતેથી પકડી પાડ્યો હતો.
વાકોલા પોલીસના જણાવ્યા મુજબ ઘટના શુક્રવારની સવારે સાડાદસ વાગ્યાની આસપાસ સાંતાક્રુઝ પૂર્વમાં વાકોલા બ્રિજ નજીક દત્ત મંદિર રોડ ખાતે બની હતી. વાકોલા પરિસરમાં જ ફરિયાદીની સોના-ચાંદીના દાગીનાની દુકાન આવેલી છે.
પોલીસ ફરિયાદ અનુસાર પુત્ર સવારે દુકાને ગયો ત્યારે ફરિયાદી પત્ની સાથે ઘરમાં એકલો હતો. ફરિયાદીને મળવા ત્રણ આરોપી આવ્યા હતા, જેમાંથી એક ભૂતપૂર્વ કર્મચારી બાલુ પરમાર હોવાથી ફરિયાદીએ તેમને ઘરમાં આવવા દીધા હતા. કુર્લામાં રહેતો પરમાર બે વર્ષ અગાઉ નોકરી છોડીને ગયો હતો.
ફરિયાદીના ઘરમાં ચા-નાસ્તો કર્યા પછી આરોપીએ પિસ્તોલની ધાકે દંપતીને બાનમાં લીધું હતું. બાદમાં બેડરૂમના કબાટમાંથી દાગીના ભરેલી બૅગ લૂંટી આરોપી ફરાર થઈ ગયા હતા. આ પ્રકરણે ફરિયાદીએ વાકોલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી અંદાજે 31 લાખ રૂપિયાના દાગીના સાથે ફરાર થયા હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
આ પ્રકરણે ગુનો નોંધી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પરમારને ફરિયાદી ઓળખતો હોવાથી પોલીસે તેને ટ્રેસ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીને વલસાડથી તાબામાં લીધા બાદ તેના બે સાથીને પાલઘરથી પકડી પાડવામાં આવ્યા હતા.