1.05 કરોડના દાગીના સાથે ફરાર થયેલો જ્વેલરી શો-રૂમનો સેલ્સમૅન ઝડપાયો
થાણે: થાણેના જાણીતા જ્વેલરીના શો-રૂમમાંથી અંદાજે 1.05 કરોડ રૂપિયાના મૂલ્યના સોનાના દાગીના સાથે ફરાર થઈ ગયેલા સેલ્સમૅન રાહુલ જયંતીલાલ મહેતાને મીરા રોડથી પકડી પાડી પોલીસે અંદાજે 62 લાખ રૂપિયાના દાગીના હસ્તગત કર્યા હતા.
દાગીના સાથે ફરાર થઈ ગયા પછી આરોપી મહેતા વારંવાર તેનું રહેઠાણ બદલતો હતો. પોલીસે તેના મોબાઈલ ફોનને ટ્રેસ કર્યો હતો. ગુજરાત, મુંબઈ અને ઇન્દોરમાં તે ફરતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. દરમિયાન મહેતા મીરા રોડમાં તેના મિત્રને મળવા આવવાનો હોવાની માહિતી પોલીસને મળી હતી. આ અંગે મીરા રોડ પોલીસને જાણ કરાઈ હતી. મીરા રોડ પોલીસે છટકું ગોઠવી મહેતાને પકડી પાડ્યો હતો અને વધુ તપાસ માટે થાણેના નૌપાડા પોલીસને સોંપ્યો હતો.
થાણેના તળાવપાળી પરિસરમાં આવેલા જ્વેલરીના શો-રૂમના માલિક સુરેશ પારસમલ જૈને (59) નોંધાવેલી ફરિયાદને આધારે નૌપાડા પોલીસે રાહુલ જયંતીલાલ મહેતા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
ફરિયાદમાં જણાવાયું હતું કે શો-રૂમમાં પહેલા માળે પાંચ કાઉન્ટર છે, જેમાંથી એક કાઉન્ટર પર રાહુલની ડ્યૂટી હતી. 9 માર્ચે સવારે નોકરી પર આવેલો રાહુલ બપોરે જમવાને બહાને ગયા પછી પાછો ફર્યો નહોતો. રાહુલના કાઉન્ટર પરના દાગીનાની ચકાસણી કરતાં સોનાના નાના-મોટા 38 હાર, 24 કાનની બૂટી, ત્રણ ચેન અને પાંચ બાજુબંધ મળી 70 દાગીના ગુમ હોવાનું જણાયું હતું.
રાહુલ 1.05 કરોડ રૂપિયાના દાગીના સાથે ફરાર હોવાની ખાતરી થતાં જ્વેલર્સે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી પાસેથી 62 લાખ રૂપિયાના દાગીના હસ્તગત કર્યા હતા. પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.