કોના દબાણમાં આવીને જરાંગેએ લીધો યુ-ટર્નઃ ઈલેક્શન નહીં લડે પણ…
જાલના (મહારાષ્ટ્ર): મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂર્વે મરાઠા અનામતનો મુદ્દો વધુ ચર્ચામાં હતો, જ્યારે આગામી દિવસોમાં પણ ચર્ચામાં રહી શકે છે, પરંતુ મરાઠા અનામત માટે આંદોલન અને અનશન કરનારા મનોજ જરાંગેએ હવે ચૂંટણી નહીં લડે પણ કોઈ ઉમેદવારને ટેકો નહીં આપવાની જાહેરાત કરી છે, પરંતુ કોઈના પ્રભાવ યા દબાણમાં આવીને આ નિર્ણય લીધો હોવાનો સૂત્રોએ દાવો કર્યો હતો.
અગાઉ કરેલી જાહેરાત ફેરવી તોળી મરાઠા આરક્ષણના આંદોલનકારી મનોજ જરાંગેએ આજે કહ્યું હતું કે તેઓ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર અથવા પક્ષને ટેકો નહીં આપે અને ઉમેદવારીપત્રો ભરનારા તેમના સમર્થકોને તેમની ઉમેદવારી પાછી ખેંચવા જણાવ્યું હતું.
કલાકો સુધી ચાલેલી બેઠકો પછી ચૂંટણી પ્રક્રિયામાં ભાગ નહીં લેવાનો જરાંગેનો નિર્ણય તેમની અગાઉની વ્યૂહરચનાથી અલગ તરી આવે છે, કારણ કે કેટલાક મતવિસ્તારમાં તેઓ ઉમેદવારોને ટેકો આપવા અથવા વિરોધ કરવા માંગતા હતા.
આજે સવારે જાલનાના અંતરવલી સરાટી ગામમાં સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં જરાંગેએ જણાવ્યું હતું કે ‘ઘણી ચર્ચા-વિચારણા બાદ રાજ્યમાં કોઈ પણ ઉમેદવાર ઊભો ન રાખવાનો નિર્ણય મેં લીધો છે.
આપણ વાંચો: મને મારી નાખવાનું કાવતરુંઃ મનોજ જરાંગેએ પોતાના મૃત્યુ વિશ કહી આ વાત…
મરાઠા સમાજ પોતે જ નક્કી કરશે કે કોને હરાવવા અને કોને ચૂંટવા. કોઈ પણ ઉમેદવાર કે રાજકીય પક્ષ સાથે મારું કોઈ જોડાણ નથી કે નથી કોઈને ટેકો.’ શાસક મહાયુતિ અથવા વિપક્ષ મહા વિકાસ અઘાડી (એમવીએ)ના કોઈ દબાણ હેઠળ નથી એવી સ્પષ્ટતા પણ તેમણે કરી હતી.
જરાંગેએ વધુમાં જણાવ્યું હતું કે ‘જે સાથી પક્ષોએ તેમના સમર્થનથી વિધાનસભાની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો તેમણે સોમવારે સવારે 3 વાગ્યા સુધી તેમની (ઉમેદવારોની) સૂચિ મોકલી ન હતી. અમે 14 બેઠકો પર ચૂંટણી લડવાના હતા અને 11 બેઠક પર નિર્ણય બાકી હતો. અમે એક જ સમુદાય (મરાઠા)ના મત પર ચૂંટણી ન જીતી શકીએ નહીં. પરિણામે તેમની પાસે ચૂંટણીમાંથી પીછેહઠ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.’
પુણે જિલ્લાની પાર્વતી અને દૌંડ વિધાનસભા બેઠકના બે ઉમેદવારને ટેકો આપવાની જાહેરાત મરાઠા આરક્ષણના આંદોલનકારી મનોજ જરાંગેએ રવિવારે કરી હતી. જોકે ઉમેદવારના નામ પછીથી જાહેર કરવામાં આવશે એમ કહી સમર્થન અંગે સસ્પેન્સ રાખ્યું હતું.
ફૂલમ્બરી, કન્નડ (છત્રપતિ સંભાજી નગર), હિંગોલી, પાથરી (પરભણી) અને હદગાંવ (નાંદેડ)માં ઉમેદવારોને ટેકો આપવાનું જણાવી તેમણે દાવો કર્યો હતો કે તેઓ ભોકરદન (જાલના), ગંગાપુર (છત્રપતિ સંભાજી નગર), કળમનુરી (હિંગોલી), ગંગાખેડ અને જીન્તુર (પરભણી) અને લાતુરમાં ઔસાના વર્તમાન વિધાનસભ્યોને હરાવા માટે કોશિશ કરશે. આ વિધાનસભ્યો મહાયુતિ સરકારના છે.
આજે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો છેલ્લો દિવસ હતો. રાજ્યની વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરના રોજ યોજાશે અને 23 નવેમ્બરે મતોની ગણતરી કરવામાં આવશે.
(પીટીઆઈ)