જરાંગે-પાટીલે સમાજની લાગણીઓને ધ્યાનમાં રાખીને ઉપવાસ પાછા ખેંચ્યા
જાલના: મરાઠા અનામત કાર્યકર્તા મનોજ જરાંગે-પાટીલે બેમુદત ઉપવાસના નવમા દિવસે સમાજની લાગણીઓને ધ્યાનમાં રાખીને બુધવારે પારણાં કરી લીધા હતા. મરાઠા સમાજ દ્વારા ઉપવાસ પાછા ખેંચી લેવાનું દબાણ હોવાનું કારણ તેમણે આપ્યું હતું.
અંતરવાલી સરાટી ખાતે ટેકેદારોને સંબોધતાં જરાંગે-પાટીલે કહ્યું હતું કે મરાઠા સમાજની લાગણીઓને ધ્યાનમાં રાખીને તેમણે ભૂખ હડતાળનો અંત કરવાનું નક્કી કર્યું છે. જે લોકોએ મરાઠા સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડી છે તેમને આપણે પહોંચી વળશું, એમ પણ તેમણે કહ્યું હતું.
17 સપ્ટેમ્બરે જરાંગે-પાટીલ બેમુદત ભૂખ હડતાળ પર ઉતર્યા હતા. ઓબીસીમાંથી મરાઠા અનામત આપવા માટે એક વર્ષમાં આ તેમની છઠ્ઠી ભૂખ હડતાળ હતી.
સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહેલી વારંવારની વિનંતીને ધ્યાનમાં રાખીને મેં ભૂખ હડતાળ પાછી ખેંચી લેવાનું નક્કી કર્યું છે. જે લોકો મરાઠા સમાજને ત્રાસ આપી રહ્યા છે તેમને માફ કરવામાં આવશે નહીં, એમ જણાવતાં જરાંગેએ બધાને અપીલ કરી હતી કે કોઈપણ રાજકીય બેઠકોમાં હાજરી આપવી નહીં.
જરાંગેએ કહ્યું હતું કે છેલ્લા 70 વર્ષમાં મરાઠા સમાજે ઘણું સહન કર્યું છે. અને અમારા યુવાનોના સારા ભાવિ માટે અનામત જોઈએ છે.
અહીં ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષના ફેબુ્રઆરી મહિનામાં મહારાષ્ટ્ર વિધાન મંડળે એકમતે મરાઠા સમાજને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અલગ શ્રેણી હેઠળ 10 ટકા અનામત આપવાનો ખરડો મંજૂર કર્યો હતો. જરાંગેએ ઓબીસી શ્રેણીમાંથી જ અનામત આપવાની માગણી આગળ કરીને આ અનામત ફગાવી દીધી હતી. (પીટીઆઈ)