ઇસ્લામપુર બન્યું ‘ઈશ્વરપુર’ : મહારાષ્ટ્ર સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે કેબિનેટ બેઠકમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. સાંગલી જિલ્લાના ઇસ્લામપુર તાલુકાનું નામ હવે બદલીને ‘ઈશ્વરપુર’ રાખવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે પણ આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે, જે પછી આ અંગેનો આદેશ જારી કરવામાં આવ્યો હતો.
લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય
મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુળેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે, આ નિર્ણય સ્થાનિક લોકોની લાંબા સમયથી ચાલી આવતી લાગણીઓ અને માંગણીઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
બાવનકુળેએ સ્પષ્ટ કર્યું કે, ઇસ્લામપુરનું નામ બદલવાની માંગ સ્થાનિક રહેવાસીઓ દ્વારા ઘણા વર્ષોથી સતત ઉઠાવવામાં આવી રહી હતી. સ્થાનિક પ્રતિનિધિઓએ પણ આ મુદ્દો વિધાનસભામાં વારંવાર ઉઠાવ્યો હતો.
આપણ વાચો: સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી પહેલાં મહારાષ્ટ્ર કેબિનેટે એક જ દિવસમાં 21 નિર્ણયો લીધા…
મહેસૂલ મંત્રીએ જણાવ્યું કે, “મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ જાહેર માંગણીને કેન્દ્ર સરકાર સમક્ષ મજબૂત રીતે રજૂ કરી હતી, જેના પગલે ભારત સરકારના ગૃહ મંત્રાલયે આ નિર્ણય લઈને લોકોની લાગણીઓનું સન્માન કર્યું છે.”
ચંદ્રશેખર બાવનકુળેએ આ ઐતિહાસિક નિર્ણય માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે આ હેતુ માટે અથાક પ્રયાસ અને સંઘર્ષ કરનારા તમામ સ્થાનિક નાગરિકોને પણ અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ નિર્ણય સાથે હવે સાંગલી જિલ્લાના ઇસ્લામપુર તાલુકાની ઓળખ હવે ‘ઈશ્વરપુર’ તરીકેની થશે.



