આતંકવાદી ફન્ડિંગ: ISIS મોડ્યુલ વિરુદ્ધ EDના મહારાષ્ટ્ર સાથે ચાર રાજ્યમાં 40 સ્થળે દરોડા

ભિવંડીના પડઘા ગામમાં બેઝ ધરાવતા સંગઠન પર કાર્યવાહી, નાણાંનો આતંકી પ્રવૃત્તિમાં ઉપયોગ થતો હોવાની શંકા
મુંબઈ: થાણે જિલ્લાના ભિવંડીના પડઘા ગામમાં બેઝ ધરાવતા પ્રતિબંધિત વૈશ્ર્વિક આતંકવાદી સંગઠન આઇએસઆઇએસના ‘ઉચ્ચ કટ્ટરવાદી’ મોડ્યુલ વિરુદ્ધ ટેરર ફન્ડિંગ સાથે જોડાયેલા મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી) દ્વારા આજે મહારાષ્ટ્ર સહિતના ચાર રાજ્યમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
ઇડી દ્વારા આજે વહેલી સવારે સાગમટે 40 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં મહારાષ્ટ્રના થાણેમાં પડઘા-બોરીવલી, રત્નાગિરિ જિલ્લો, દિલ્હી, કોલકાતા અને ઉત્તર પ્રદેશના અમુક શહેરોનો સમાવેશ હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. ઇડીની ટીમોને રાજ્યમાં રેઇડ પાડવા દરમિયાન મહારાષ્ટ્ર એન્ટિ-ટેરરિઝમ સ્કવોડ (એટીએસ) દ્વારા સલામતી પૂરી પાડવામાં આવી હતી, જ્યારે અન્ય વિસ્તારોમાં સેન્ટ્રલ સિક્યુરિર્ટી ફોર્સે તેમને મદદ કરી હતી.
નવેમ્બર, 2023ના નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ના કેસની નોંધ લઇને ફેડરલ એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ કેસ દાખલ કર્યો હતો, જેમાં આરોપ લગાવાયો હતો કે અમુક લોકો ‘ઉચ્ચ કટ્ટરવાદ’ આઇએસઆઇએસ સાથે જોડાયેલા મોડ્યુલનો ભાગ હતા અને ભરતી, તાલીમ, શસ્ત્રો તથા વિસ્ફોટકોની પ્રાપ્તી, તેમના ઑપરેશન્સ માટે ભંડોળ ઊભું કરવા સહિતની પ્રવૃત્તિઓમાં સામેલ હતા.
આ પણ વાંચો: આતંકવાદી સંગઠનોથી ‘ભારત સરકાર’ને ખતરોઃ વૈશ્વિક સંસ્થાએ સરકારને ચેતવી…
આઇએસઆઇએસની વિચારધારામાં નિર્બળ યુવાનોને દોરીને કટ્ટરવાદી બનાવવા અને ભરતી કરવા તથા ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસીસ (આઇઇડી) બનાવવાના કાવતરાના આરોપમાં એનઆઇએ દ્વારા 21 જણ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
એનઆઇએના જણાવ્યા મુજબ આરોપીઓએ થાણે ગ્રામીણમાં આવેલા પડઘા ગામને ‘અલ શામ’ નામે મુક્ત ક્ષેત્ર તરીકે સ્વઘોષિત કર્યું હતું અને તેઓ પોતાનો બેઝ મજબૂત બનાવવા મુસ્લિમ યુવાનોને તેમના નિવાસસ્થાનથી પડઘામાં સ્થળાંતર કરવા પ્રોત્સાહિત કરતા હતા.
એનઆઇએ દ્વારા આ કેસમાં આરોપીઓ સામે આતંકવાદી હુમલા માટે તૈયારી કરવી, ભારતમાં હિંસા ફેલાવવા માટે આઇએસઆઇએસના એજન્ડાને આગળ ધપવવા ભંડોળ ઊભું કરવું અને તેમના ધર્મનિરપેક્ષ સિદ્ધાંતો તથા લોકશાહી પ્રણાલીનો નાશ કરવાના આરોપ મુકાયા હતા.
આ પણ વાંચો: દિલ્હી પોલીસની સૌથી મોટી કાર્યવાહીઃ સ્પેશિયલ સેલે 3 આતંકવાદીને ઝડપ્યાં, ISI સાથે કનેક્શન ધરાવે છે…
એનઆઇએ અનુસાર ભારતમાં આઇએસઆઇએસ માટે સ્વઘોષિત આગેવાન હેન્ડલર સાકિબ અબ્દુલ હમીન નાચન (હવે મૃત) દ્વારા નિયંત્રિત અગાઉના ઘણા આતંકી કેસોમાં સંડોવાયેલા શાહનવાઝ આલમ પાસેથી આરોપીએ ‘બાયથ’ (વેર બાળવાના શપથ) લીધા હતા.
સાકિબ નાચનની અગાઉ પડઘાથી એનઆઇએએ ધરપકડ કરી હતી અને દિલ્હીની હૉસ્ટિલમાં જૂનમાં તેનું મૃત્યુ થયું હતું. ઇડીને ખેરનાં લાકડાંની દાણચોરીના કૌભાંડમાંથી મળતાં નાણાંનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે થતો હોવાની માહિતી મુંબઈ એટીએસે આપી હતી.
(પીટીઆઇ)



