મહારાષ્ટ્રના સાત પ્રમુખ નેતાને રામ મંદિર કાર્યક્રમનું મળ્યું આમંત્રણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવાનો અનુભવ દેશના ગણતરીના વિશેષ લોકોને જ મળવાનો છે. વિવધ ક્ષેત્રના આમંત્રિતોને સમારંભની પત્રિકા આપવામાં આવી રહી છે. રામ મંદિરના કાર્યક્રમ માટે મહારાષ્ટ્રના સાત મહાનુભાવને આમંત્રણ આપવામાં આવ્યું છે. આધારભૂત સાધનો પાસેથી મળેલી માહિતી અનુસાર ઠાકરે બંધુઓને, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રના રાજકીય નેતાઓમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, મરાઠા સ્ટ્રોન્ગમેન અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવાર, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, મનસેના પ્રમુખ રાજ ઠાકરે, રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આરપીઆઈ-આઠવલે) ના પ્રમુખ અને કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે તેમ જ વંચિત બહુજન આઘાડીના નેતા અને ડૉ. બાબાસાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરને પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.