આમચી મુંબઈ

રોકાણકારો સાથે દોઢ કરોડની છેતરપિંડી: ત્રણ વિરુદ્ધ ગુનો

થાણે: રોકાણ પર આકર્ષક વળતરની લાલચે થાણેમાં રહેતી 54 વર્ષની ગૃહિણી અને અન્ય 11 જણ સાથે દોઢ કરોડથી વધુ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા બદલ પોલીસે ત્રણ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ આ કથિત છેતરપિંડીમાં રોકાણકારોએ 2015થી 2019 દરમિયાન 1.51 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાથી બુધવારની મોડી સાંજ સુધી કોઈની ધરપકડ કરાઈ નહોતી.

આ પ્રકરણે ફરિયાદને આધારે થાણે નગર પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 420, 409 અને 406 તેમ જ મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઑફ ઈન્ટરેસ્ટ ઑફ ડિપોઝિટર્સ (એમપીઆઈડી) ઍક્ટની જોગવાઈ હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો.

આપણ વાંચો: રેલવેમાં નોકરીને નામે યુવાનો સાથે 56 લાખની છેતરપિંડી: ત્રણ સામે ગુનો

પોલીસ ફરિયાદ અનુસાર ચૅરમૅન રવીન્દ્ર પાંડુરંગ જાધવ, ડિરેક્ટર સહદેવ વામન કરંગુટકર અને ડિરેક્ટર રાજેશ દત્તારામ પાર્ટેએ કેમ્બ્રિજ ઈન્ફ્રા પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડ અને શ્રી સિદ્ધિવિનાયક મલ્ટિસ્ટેટ એગ્રો ઍન્ડ એલાઈડ કો-ઑપરેટિવ સોસાયટીના માધ્યમથી રોકાણકારોને ઠગ્યા હતા.

આરોપીએ તેમની વિવિધ સ્કીમમાં રોકાણ કરવા પર આકર્ષક વળતરની ખાતરી આપી હતી. પરિણામે રોકાણકારોએ ફેબ્રુઆરી, 2015થી જુલાઈ, 2019 દરમિયાન આરોપીઓની સ્કીમમાં નાણાં રોક્યાં હતાં.

જોકે રોકાણકારો પોતાની મૂડી પાછી મેળવવા ગયા ત્યારે આરોપીઓએ ઉડાઉ જવાબ આપવા માંડ્યા હતા. રોકાણકારોને વળતર કે તેમની મૂડી પાછી ન મળતાં પોલીસનો સંપર્ક સાધ્યો હતો. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button