આમચી મુંબઈમહારાષ્ટ્ર

ઈન્ટરનેટ ગેમિંગ ડિસઓર્ડરથી પીડિત વિદ્યાર્થી મુદ્દે હાઈ કોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો

મુંબઈ: કાયદાનો હેતુ વ્યક્તિમાં સુધારણા લાવવાનો છે, માત્ર દંડિત કરવાનો નહિ; આ સિદ્ધાંતને ઉજાગર કરતા હોય તેવા એક ચુકાદામાં બોમ્બે હાઈ કોર્ટે એક ૧૯ વર્ષના વિદ્યાર્થીની ધોરણ બારની સુધારણા પરીક્ષા માટે ફરીથી હાજર રહેવાની મંજૂરી આપી છે જેનો તે ગયા વર્ષે જવાબ આપી શક્યો નહોતો, કારણ કે તે ડિપ્રેશન અને ઈન્ટરનેટ ગેમિંગ ડિસઓર્ડરથી પીડાતો હતો.

જસ્ટિસ એ એસ ચંદુરકર અને રાજેશ પાટીલની ડિવિઝન બેન્ચે ૪ જુલાઈના તેના આદેશમાં જણાવ્યું હતું કે છોકરો ન્યાયના હિતમાં તેના ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર (એચએસસી) માટે સુધારણા પરીક્ષામાં બેસવાની તક આપવાને પાત્ર છે.

તેની અરજીમાં, છોકરાએ કહ્યું હતું કે તે ભણવામાં હંમેશાં સરેરાશથી ઉપરનો વિદ્યાર્થી હતો અને ધોરણ અગિયાર સુધી ૮૫-૯૩ ટકા માર્ક્સ મેળવતો હતો. અરજી પ્રમાણે, જ્યારે તે માર્ચ ૨૦૨૩માં તેની બારમા ધોરણની પરીક્ષામાં હાજર થયો ત્યારે તે ડિપ્રેશનથી પીડાતો હતો, જેને કારણે ૬૦૦માંથી માત્ર ૩૧૬ માર્ક્સ મેળવી શક્યો હતો.

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર એક્શનમાં, 101 ગેમિંગ ઝોનને બંધ કરવાનો આદેશ

અરજદારે દાવો કર્યો હતો કે તે જુલાઈ ૨૦૨૩થી ડિસેમ્બર ૨૦૨૩ સુધી ડિપ્રેશન અને ચિંતાની સારવાર હેઠળ હતો. તેણે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર હોસ્પિટલમાં પણ સારવાર કરાવી હતી, ઉમેર્યું હતું કે તેને ઈન્ટરનેટ ગેમિંગ ડિસઓર્ડર હોવાનું નિદાન થયું હતું જેના કારણે તે પરીક્ષામાં હાજર રહી શક્યો નહોતો.

માર્ચ ૨૦૨૪માં યોજાનારી સુધારણા પરીક્ષામાં હાજર રહેવાની તેમની વિનંતીને કૉલેજ દ્વારા નકારી કાઢવામાં આવ્યા બાદ તેણે હાઈ કોર્ટનો સંપર્ક કર્યો હતો. બેન્ચે વિદ્યાર્થીના મેડિકલ રિપોર્ટ્સ જોયા બાદ કહ્યું કે દસ્તાવેજોની પ્રામાણિકતા અને કેસના વિશિષ્ટ તથ્યોને અનુલક્ષીને અરજદારને તેના માર્કસમાં સુધારો કરવા માટે એક તક આપવામાં આવવી જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button